Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સુરતમાં 2 લાખ ભરેલ બેગની લૂંટના મામલે ભાગેલ બે આરોપીને પોલીસે વાસદ ચોકડી નજીકથી ઝડપી પાડયા

સુરત: શહેરમાં ર લાખ ભરેલ બેગની લૂંટ મામલે લોકોના ટોળા એકઠાં થતા કારમાં ભાગેલા બે લૂંટારુઓએ વાસદ ચોકડીએ ચુસ્ત બંદોબસ્ત છતાંયે ગાડી ઉભી રાખી ન હતી. પૂરપાટ ઝડપે બોરસદની આણંદ ચોકડીએ આવી રહેલ કારને બોરસદ પોલીસે ઝડપી પાડી હતી અને એક વ્યક્તિને ઝબ્બે કર્યો હતો. લૂંટારુ ઉમરશા શેખ ઝડપાઇ જતા તેના સાગરિતો કાળા કલરની કારમાં સુરતથી ભાગી છૂટયા હતા. બીજી બોરસદ કોર્ટમાં કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને લાવવાનો હોવાથી વાસદ ચોકડી ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.દરમ્યાન એક કાળા કલરની કારને પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા કારના ચાલકે કારને અટકાવ્યા વિના પોલીસ પર કાર નાખી પુરપાટ ઝડપે આણંદ ચોકડી તરફ કાર હંકારી મૂકી હતી. જેની પાછળ પોલીસે પણ ગાડી દોડાવી હતી. વાસદ ચોકડીથી આણંદ ચોકડી તરફના માર્ગ પર આવતા ચાર બમ્પને પુરપાટ કુદાવી ભાગતા આરોપીઓની પાછળ પોલીસની જીપ દોડતી હોઈ માર્ગ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દરમ્યાન આરોપીઓએ આણંદ ચોકડી યુ ટર્ન લઈ પરત વાસદ ચોકડી તરફ કાર ભગાવી હતી અને રસ્તામાં પહેલા ટર્નિંગ પોઈન્ટ સિંગલાવ રોડ પર ગાડી દોડાવીને શ્રદ્ઘા હોસ્પિટલ નજીક કાર મૂકી અંધારામાં ફરાર થઈ ગયા હતા. બીજી તરફ તુરંત જ પોલીસ જીપ પણ આવી પહોંચી હતી અને ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા બાવરી વિસ્તારમાં સર્ચ હાથ ધરાયું હતું. જેમાં નવી બની રહેલ કોર્ટની પાછળ બાવરીમાં સંતાયેલ એક શખ્સ ઝડપાઈ ગયો હતો. જેનું નામ ઠામ પૂછતાં તે વિપુલગીરી ઉર્ફે લાલા રમેશગીરી ગોસાઈ રહે. ભચાઉ તા. રાપર જી. કચ્છ હોવાનું જણાવ્યું હતું. પોલીસને કારને કબ્જે લઈ પોલીસ મથકે લાવી આરોપીને સુરત મહિધરપુરા પોલીસને સોપવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

(5:17 pm IST)