Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

હિંમતનગર શામળાજી હાઇવે નજીક મહિલાના મોઢા પર સ્પ્રે છાંટી દાગીનાની ઉઠાંતરી કરી તસ્કરોની ટોળકી રફુચક્કર

હિંમતનગર: શામળાજી હાઇવે ઉપર આવેલ રાયગઢ નજીકના કેશરપૂરામાં રાત્રે તિક્ષ્ણ હથિયાર સાથે તસ્કર ટોળકી ત્રાટકી હતી.અને મહિલાના મોંઢા ઉપર સ્પ્રે છાંટી બેભાન કરી ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગઈ હતી. ચોરીની આ ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થતાં પોલીસ પેટ્રોલીંગની માંગ કરી હતી .

હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નં આઠ ઉપર આવેલ રાયગઢ નજીકના બક્ષીપંચ ની વસ્તી ધરાવતા કેશરપૂરા ગામમાં મંગળવાર રાત્રે 12થી 3 વાગ્યાના સમયે તીક્ષ્ણ હથિયારો સાથે 10થી 15 જણાની તસ્કરોની ટુકડી ત્રાટકી હતી અને ચોરીના ઇરાદે એક મકાનમાં ઘુસી સુધાબેન નામની મહિલાના મોંઢા ઉપર સ્પ્રે છાંટી બેભાન કરી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં સુતેલા સુધા બેનના પતિ રાકેશસિંહ નાથુસિંહ પરમાર ના મોંઢા ઉપર પણ સ્પ્રે છાંટી બેભાન કરી દીધા હતા અને ઘરની તિજોરી ખોલી દહેજમાં આવેલ ચાંદીના અંદાજે રૂ.35000ની ચોરી કરી ગયા હતા.જતાં જતાં બાજુના ઘરમાં રહેતા દિલીપસિંહ માંગીલાલ કેતવાલના ઘેર જઈ તેમને પણ બંધક બનાવ્યા હતા પરંતુ તેમના ઘરમાં કંઈ ન મળતાં રાત્રીના અંધારામાં ટોળકી પલાયન થઈ ગઇ હતી. ગામમાં અવાર નવાર ચોરોની ટોળકી ત્રાટકતી હોવાથી ગ્રામજનો દ્વારા પોલીસ પેટ્રોલિંગ ગોઠવવા માંગ કરી હતી.

 

(5:18 pm IST)