Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મહીસાગરના કડાણા ડેમમાં 850 વર્ષ જુની નદીનાથ મહાદેવની ગુફા ખુલી અને દર્શન શરૂ થયાઃ જળસપાટી નીચી જતા ભાવિકોને પૂજન-દર્શનનો લાભ

મહીસાગર: ડેમના બાંધકામમાં સમયે અનેક સ્થળો ડૂબાણમા જતા હોય છે. જ્યારે પાણીની સપાટી નીચી જાય ત્યારે આ સ્થળો બહાર આવતા હોય છે. ત્યારે મહીસાગરના કડાણા ડેમમાં 850 વર્ષ જુનું નદીનાથ મહાદેવની ગુફા ખુલી ગઈ છે અને તેના દર્શન શરૂ થયા છે.
કડાણા ડેમમાં પાણીની સપાટી ઘટતાં પાણીની અંદર ગુફામાં આવેલ મંદિર ખુલ્લુ થયું છે. આ મંદિર વર્ષો પુરાણું છે. પરંતુ કડાણા ડેમ બંધાવાથી પાણીમાં ડુબાણમાં ગયું હતું. હાલ જળસપાટી નીચી જતા નદીનાથ મહાદેવના દ્વાર ખુલ્લા થયા છે. હાલ ડેમની સપાટી 384.5 ફૂટ થતાં કિનારા અને બેટ ખુલ્લા થયા છે. ત્યારે ડુંગર વચ્ચે આવેલ ગુફામાં નાવડીઓ લઈને શિવભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે. 20 વર્ષ બાદ ગયા વર્ષે મંદિર ખુલ્લુ થયું હતું અને આ વર્ષે ફરીથી સપાટી નીચી જતા દર્શન થઈ રહ્યાં છે. જેથી ભક્તોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.
મંદિરની વિશેષતા
આ મંદિર ડેમની વચ્ચોવચ આવેલી ગુફામાં આવેલુ છે. આ મંદિર 850 વર્ષ પુરાણુ છે. આ ગુફા મંદિરમાં શિવજીનું મંદિર આવેલું છે. ગુફામાં આવેલ શિવલિંગ છુટ્ટુ હોવા છતા તે અલગ થયુ નથી તે તેની વિશેષતા છે.
એક સમયે આ મંદિરની જાહોજલાલી હતી
50 વર્ષ પહેલા આ મંદિરની જગ્યા પર કડાણા ડેમ બાંધવામાં આવ્યો હતો. એક સમયે અહી ભાદરવી પૂનમનો મેળો ભરાયો હતો. આ વિસ્તાર ભક્તોથી ભર્યોભર્યો રહેતો હતો. પરંતુ ડેમ બંધાતા મંદિર પાણીમાં સમાયુ હતું. કડાણા જળાશયમાંથી ગુજરાત રાજ્યના 9 જિલ્લા માટે સિંચાઈના પાણીથી લઈને 156 ગામને પીવાના પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ વરસાદ ઓછો હોવાને કારણે પાણીની સપાટી ફરી નીચી આવી છે. જેથી ડૂબાણમાં ગયેલુ મંદિર બહાર આવ્યુઁ છે.
કડાણા જળાશયમાંથી ગુજરાત રાજ્યના 9 જિલ્લા માટે સિંચાઈના પાણીથી લઈને 156 ગામને પીવાના પાણી પૂરું પાડવામાં આવે છે.

(5:19 pm IST)