Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

અમદાવાદના અમરાઇવાડી વિસ્‍તારમાં બુટલેગરના ઘરે પોલીસે દરોડો પાડતા બાતમી આપનાર વ્‍યકિત ઉપર છરીથી હૂમલોઃ 3 શખ્‍સો વિરૂદ્ધ હત્‍યાના પ્રયાસનો ગુન્‍હો આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્વારા દોડધામ

અમદાવાદ: અમરાઈવાડી બુટલેગરના ઘરે પોલીસે દરોડો પાડીને દારૂનો જથ્થો ઝપ્ત કરી તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો. બાદમાં બુટલેગર અને તેના બે સાગરીતોએ પોલીસને બાતમી આપનાર વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હતો. આ અંગે અમરાઈવાડી પોલીસે ત્રણ શખ્સોના વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો.
અમરાઈવાડીમાં ગૌતમભાઈ તેમના બે દિકરા પિયુષ અને તુષાર, પત્ની લલિતાબહેન સાથે રહે છે. બુધવારે ગૌતમભાઈની તબિયત ખરાબ હોવાથી તે નોકરી પરથી વહેલા ઘરે આવી ગયા હતા. રાત્રીના સમયે તેમનો મોટો દિકરો તુષાર બહાર આટો મારીને આવુ તેમ કહીને ઘરેથી ગયો હતો. દરમિયાનમાં પરીવાર સુઈ રહ્યો હતો. નાના દિકરાએ ગૌતમભાઈને ઉંઘમાંથી ઉઠાડી જણાવ્યું હતું કે, પિયુષને નેશનલ હેંડલુમની ગલી શક્તિનગર વિભાગ 4 ની સામેના અમુલ પાર્લરની આગળ કરણભાઈ તથા તેમના મિત્રો સાથે ઝઘડો થયો છે. જેથી ગૌતમભાઈ ઘટના સ્થળ પર પહોંચતા તેમનો દિકરો પિયુષ લોહિલુહાણ હાલતમાં નીચે પડ્યો હતો. જેથી આસપાસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આજથી બે મહિના પહેલા મયુર નાડિયાનો ઈંગ્લીશ દારૂ પોલીસે પકડયો અને તેના વિરુદ્ધમાં કેસ કર્યો હતો.
જો કે મયુરને એમ લાગતુ હતુ કે, ગૌતમભાઈએ પોલીસને બાતમી આપી તેનો દારૂનો જથ્થો પકડાવ્યો છે. જેની અદાવત રાખીને ગૌતમભાઈના દિકરા પિયુસ સાથે મયુર નાડીયા, કરણભાઈ રાઠોડ અને ધવલ નાડીયાએ ઝઘડો કરીને છરીના ઉપરા છાપરી ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત પિયુષને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જોકે વહીવટદારે જ બુટલેગરને બાતમી આપનારની માહિતી આપી હોવાની લોકોમાં ચર્ચા છે. તેવામાં ડીસીપી પણ ત્યાં જ બેસતા હોવા છતાં અમરાઈવાડીમાં ગેરકાયદે ધંધા ચાલી રહ્યા છે. આમ અધિકારીઓ કડક છાપ અને ગેરકાયદે ધંધા ન ચાલતા હોવાની શેખી મારી રહ્યા છે પરંતુ પરિસ્થિતી અલગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ અંગે ઇજાગ્રસ્ત પિયુષના પિતા ગૌતમભાઈએ મયુર, કરણભાઈ અને ધવલના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છતાં પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી.

 

(5:24 pm IST)