Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ગુજરાતમાં આ કોર્સમાં માત્ર ૧૦ ટકા જગ્યાઓ જ ભરાઇ

એમબીએ અને એમસીએ કોલેજો ખાલીખમ

ઉંચી ફી અને ઢગલાબંધ કોલેજો છે મુખ્ય કારણ

સુરત, તા.૨૩: રાજયના વિદ્યાર્થીઓમાં હવે એમબીએ અને એમસીએ કોર્સ પ્રત્યેનો રસ વરસોવરસ ઘટતો જાય છે. રાજયની એમબીએ અને એમસીએ કોલેજોમાં ખાલી સીટના વધતા જતા આંકડાઓથી આનુ અનુમાન થઇ શકે છે.

એડમીશનના પહેલા રાઉન્ડ પછી એમબીએ અને એમસીએમાં ૧૩૮૩૭ બેઠકો ખાલી છે. એમબીએની ૮૪ અને એમસીએની ૪૪ કોલેજોમાં માત્ર ૧૦ ટકા સીટ પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે રોજગારીની ઓછી તકો અને મોંઘી ફી આની પાછળનું મુખ્ય કારણ છે. સાથે જ એ ધારણા પણ મજબૂત બનતી જાય છે કે ખાલી ડીગ્રી લેવાથી રોજગાર નથી મળી જતો. વિદ્યાર્થીએ ડીગ્રી લેવાની સાથે પોતાના કૌશલ્યનો વિકાસ ના કરી શકે તો રોજગારી નથી મેળવી શકતો. એટલે ઉંચી અને મોંઘી ફી વાળા આ કોર્સથી વિદ્યાર્થીઓ દૂર થઇ રહ્યા છે.રાજયમાં એમબીએની ૮૪ કોલેજોની ૧૧૦૬૫ બેઠકોમાંથી આ વર્ષે ફકત ૧૭૧૪ બેઠકો અને એમસીએની ૪૪ કોલેજોની ૫૧૯૯ બેઠકોમાંથી માત્ર ૭૧૩ બેઠકો જ ભરાઇ છે. બંને કોર્ષની કુલ ૧૩૮૩૭ બેઠકો ખાલી પડી છે. શિક્ષણ શાસ્ત્રીઓનું માનવું છે કે રાજયમાં એમબીએ અને એમસીએની ડીગ્રી મેળવ્યા પછી હજારો વિદ્યાર્થીઓને સંતોષજનક રોજગાર નથી મળી રહ્યો. એ પણ આ કોર્સથી વિમુખ થવાનું એક કારણ છે. ઘણા એમબીએ વિદ્યાથીઓને નોકરી ના મળતા તેમણે પોતાનો ધંધો શરૂ કરવો પડયો છે.

(2:14 pm IST)