Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મંગળવાર બાદ મેઘરાજાના મોટા રાઉન્ડઃ એન.ડી.ઉકાણી

તમામ પરિબળો ફેવરેબલ છે, હાલ સૌરાષ્ટ્રમાં ૨૮મી સુધી દરરોજ જુદા- જુદા વિસ્તારોમાં વરસાદના મધ્યમથી ભારે રાઉન્ડ ચાલુ જ રહેશેઃ વરસાદની ઘટ પૂરી થઈ જશેઃ હવામાન ખાતાના પૂર્વ અધિકારીનો નિર્દેશ

રાજકોટઃ સમગ્ર સપ્ટેમ્બરમાં મેઘરાજા ભરપૂર વરસ્યા છે. ખેડૂતોની ચીંતા હળવી થઈ ગઈ છે. હાલ ૨૮મી સુધી સૌરાષ્ટ્રના દરરોજ જુદા- જુદા વિસ્તારોમાં વરસાદના મધ્યમથી ભારે રાઉન્ડ ચાલુ જ રહેશે. ત્યારબાદ મેઘરાજા મોટા રાઉન્ડ આવશે તેમ હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસપર્ટ શ્રી એન.ડી.ઉકાણીએ  'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે હાલ તમામ પરિબળો ફેવરેબલ છે. જેમાં મોનસૂન ટ્રફ સૌરાષ્ટ્રમાં પોઝીટીવ પરીબળો ધરાવે છે. તેમજ ઈન્ડિયન ઓસન ડાયપોલ (આઈઓડી) કે જે આફ્રીકન મહાસાગર અને હિંદ મહાસાગરનો વિસ્તાર છે. જેના કારણે ભારતીય દ્વીપમાં વરસાદના પરીબળો ફેવર કરતા હોય છે. આ ઉપરાંત લાનિનો પણ પોઝીટીવ મૂવ કરે છે. આ બધા કારણોના લીધે હાલ તો ચોમાસાની વિદાયના કોઈ સંકેત નથી.

હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધરએકસપર્ટ શ્રી એન.ડી. ઉકાણીએ વધુમાં જણાવેલ કે હાલ દરરોજ કોઈ- કોઈ જગ્યાએ વરસાદ વરસી જાય છે. જે હળવા, મધ્યમથી ભારે રાઉન્ડ ચાલુ જ રહેશે. તેમજ ૨૮મી સપ્ટેમ્બર એટલે કે મંગળવાર બાદ વરસાદના મોટા રાઉન્ડ આવે તેવી શકયતા છે.

દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દરરોજ કોઈ- કોઈ સ્થળે વરસાદ પડી જાય છે. રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી ઝાપટા વરસી જાય છે.

(1:17 pm IST)