Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

સુરત:વડોદમાં હેલ્થ સેન્ટરની બાજુમાં આવાસના 34 પૈકી 25 બિલ્ડીંગો સીલ કરવામાં આવ્યા

સુરત: વડોદ હેલ્થ સેન્ટરની બાજુમાં મ્યુનિસીપલ કોર્પોરેશનના આવાસના 34 પૈકી 25 બિલ્ડીંગમાં સીલ મારવામાં આવેલા 116થી વધુ આવાસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબ્જો જમાવનાર વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે. અગાઉ બાવરી સમાજના લોકોએ કબ્જો જમાવ્યો હતો તે ખાલી કરાવી સિક્યુરીટી તૈનાત કરવામાં આવી હોવા છતા પુનઃ કબ્જો જમાવતા પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા વડોદ હેલ્થ સેન્ટરની બાજુમાં રેવન્યુ સર્વે નં. 187માં 34 બિલ્ડીંગમાં 612 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં લકી ડ્રો થકી 186 આવાસ બાવરી સમાજના લોકોને અને 79 આવાસ શહેરના વિકાસમાં નડતરરૂપ ઝુંપડપટ્ટીના અસરગ્રસ્ત લાભાર્થીને ફાળવવામાં આવ્યા છે. પરંતુ બાકીના 347 આવાસ પૈકી 331 આવાસમાં બાવરી સમાજના લોકો દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો કરવામાં આવ્યો હતો. આ આવાસ વિકાસમાં નડતરરૂપ ઝુંપડપટ્ટીના અસરગ્રસ્ત લાભાર્થીને આગામી દિવસોમાં ફાળવવાની તજવીજ હાથ ધરી છે. જેથી ગત જુલાઇ મહિનામાં મ્યુનિસીપલ કોર્પોરેશનના સાઉથ (ઉધના) ઝોનના સ્લમ અપગ્રેડેશન વિભાગે પોલીસ બંદોબસ્ત અને સિક્યોરીટી સ્ટાફ સાથે આવાસામાં ગેરકાયદેસર કબ્જો જમાવનાર બાવરી સમાજના લોકોને સમજાવીને ખાલી કરાવ્યા હતા અને 331 આવાસોને સીલ મારવામાં આવ્યું હતું.

આવાસમાં પુનઃ ગેરકાયદેસર કબ્જો નહીં જમાવે અને તોડફોડ તથા ચોરી નહીં થાય તે માટે ત્રણ શીફ્ટમાં સિક્યુરીટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા. તેમ છતા આવાસના કુલ 34 બિલ્ડીંગ પૈકી 25 બિલ્ડીંગના 116થી વધુ આવાસમાં મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા સીલ તોડી ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. જેથી આ અંગેની જાણ થતા કોર્પોરેશનના સ્લમ અપગ્રેડેશન વિભાગના ડેપ્યુટી ઇજનેર ઓજશ હરેશચંદ્ર દેસાઇ (રહે. 81, ગોવિંદધામ રો હાઉસ, અડાજણ) એ ગેરકાયદેસર પ્રવેશ કરનાર વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

(6:15 pm IST)