Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

સુરતના જહાંગીરપુરામાં એપાર્ટમેન્ટમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 13 શકુનિઓને 7.57 લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા

સુરત: શહેરનાજહાંગીરપુરાના ડોક્ટર પાર્કની ગલીમાં ચિત્રધામ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી પોલીસે હીરાના કારખાનેદાર, હીરા દલાલ, રત્નકલાકર અને હોટલ વ્યવસાયી સહિત 13 ને ઝડપી પાડી રોકડ, મોબાઇલ અને ત્રણ મોપેડ મળી કુલ રૂ. 7.57 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના હે.કો વિજયગીરી નારાયણગીરી અને પિયુષ બાવકુભાઇને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે જહાંગીરપુરાના ચિત્રધામ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 302માં દરોડા પાડયા હતા. ભાડાના ફ્લેટમાં રહેવાની સાથે જુગારધામ ચલાવતા પૃથ્વીરાજ જયરામ રાઠોડ (મૂળ રહે. મોખડકા ગામ, તા. પાલિતાણા, જિ. ભાવનગર) ઉપરાંત સાડી હેન્ડવર્કનું કામ કરતા પરેશ ભગવાન કાથરોટીયા (રહે. કેવલ પાર્ક સોસાયટી, સારોલી), ટેક્સટાઇલ કારખાનેદાર ઉમેદ દામજી પીપલવા (રહે. શ્રધ્ધા રેસીડન્સી, કતારગામ), રત્નકલાકાર ડેનીશ બાબુ સાવલીયા (રહે. પ્રમુખપાર્ક સોસાયટી, અમરોલી), હર્ષદ છગન પ્રજાપતિ (રહે. સ્ટાર ગાર્ડન સોસાયટી, અમરોલી), હોટલ વ્યવસાયી યશદીપ સુભાષ શુક્લા, કુલદીપ અશોક મોરે (બંને રહે. ચિત્રધામ એપાર્ટમેન્ટ, જહાંગીરપુરા), હીરા દલાલ ભાવિક વિઠ્ઠલ અજુડીયા (રહે. અંબિકાનગર, કતારગામ), વિક્રમ અમરસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ લાભુભાઇ ચાવડા (રહે. દેવપ્રયાણ રેસીડન્સી, સિંગણપોર ચાર રસ્તા), સાડી હેન્ડવર્કનું કામ કરતા મુકેશ પોપટ સવાલીયા (રહે. દ્વવારેકશ નગરી, મોટા વરાછા), મનિષ વિનુ સોમૈયા (રહે. વસંતવિહાર, બોરડી શેરી, સૈયદપુરા), ગુંજન કિર્તીભાઇ પટેલ (રહે. માધવાનંદ સોસાયટી, કતારગામ) ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે પૃથ્વીરાજ પાસેથી નાળ પેટે ઉઘરાવેલા રૂ. 5 હજાર, અંગ જડતી અને દાવ પરના રોકડા મળી કુલ રૂ. 1.40 લાખ, મોબાઇલ ફોન 19 નંગ, એક્ટિવા નં. જીજે-5 ઇયુ-4062, જીજે-5 ઇએક્સ-7599 અને જીજે-5 પીઇ-2092 મળી કુલ રૂ. 7.57 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. 

(6:15 pm IST)