Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

વડોદરા:ટ્રેનમાં મુસાફરી દરમ્યાન મહિલાનું પર્સ ચોરી ગઠિયો છૂમંતર....

વડોદરા: ટ્રેનમાં મુસાફરી દરમિયાન મહિલા મુસાફરનું પર્સ ચોરી થવાની વધુ એક ઘટના સામે આવી છે. બાંદ્રા ઉદયપુર એક્સપ્રેસ ટ્રેનમાં વોશરૂમ ગયેલી મહિલા તબીબનું 1.50 લાખની મત્તા ભરેલું પર્સ અજાણ્યો ગઠિયો ચોરી નાસી છૂટ્યાનો બનાવ વડોદરા રેલવે પોલીસ મથકે નોંધાયો છે.

ટ્રેનમાં મુસાફરી દરમિયાન અજાણ્યા ગઠિયા મુસાફરોનો સર સામાન ચોરી કરવાની ઘટનાને પ્રતિદિન અંજામ આપી રહ્યા હોય તેમ કિસ્સા સામે આવી રહ્યા છે. વધુ એક મુસાફરે પોતાની મત્તા ગુમાવી હોવાની ફરિયાદ વડોદરા રેલવે પોલીસ મથકે નોંધાવી છે. રાજસ્થાન ખાતે ઉદયપુરના રહેવાસી અને વ્યવસાયે તબીબ ડૉ. હર્ષિતા ડામોર બાંદ્રાથી ઉદયપુર જવા માટે બાંદ્રા- ઉદયપુર એક્સપ્રેસ ટ્રેનમાં પુત્ર સાથે મુસાફરી કરી રહ્યા હતા. 8મી સપ્ટેમ્બરના રોજ વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન પહોંચતા વહેલી સવારે મહિલા તબીબ વોશરૂમ ગયા હતા. તકનો લાભ ઉઠાવી તેમની સીટ ઉપર રાખેલા બે લેડીસ પર્સની ચોરી કરી અજાણ્યો ગઠિયો નાસી છૂટયો હતો. જે પર્સમાં આઈફોન, એરપોર્ડ, અગત્યના ડોક્યુમેન્ટ, 05 હજાર રોકડા તથા સોનાની ચેન મળી 1.50 લાખની મત્તા હતી. આમ, ટ્રેનમાં મુસાફરોની સલામતીના સ્લોગન મારતું રેલવે તંત્ર આ બાબતની ગંભીરતા સમજે તે જરૂરી છે. કારણકે , ટ્રેનોમાં મોબાઇલ ચોરી થવાની ઘટના પણ થંભી રહી નથી.

(6:16 pm IST)