Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

પાવીજેતપુરના સુખી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા: પાણીની આવક વધતા તંત્રએ લીધો નિર્ણય

સુખી નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બોડેલી, પાવીજેતપુર, જાંબુઘોડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

ત્યારે જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામે આવેલ સુખી ડેમમાં આજ રોજ પાણીનું લેવલ ૧૪૭.૭૮ મીટર થતા બે દરવાજા ૧૫ સેન્ટિમીટર ખોલી ૧૦૪૩.૯૧ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તાલુકામાં સુખી નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા.

પાવીજેતપુર પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ થતા હેલી જેવું વાતાવરણ થયું છે ત્યારે સુખી ડેમના ઉપરવાસ વિસ્તારમાં પાણીનું પ્રમાણ સારુ રહેતા આજરોજ સુખી ડેમ ૯૯.૪૦ ટકા ભરાઈ જતા તેનું લેવલ ૧૪૭.૭૮ મીટર થયું હતું. જે મહત્તમ સપાટીથી માત્ર ૪ સેન્ટિમીટર બાકી રહ્યું છે.

 

આજનું સાંજે ૬ વાગ્યે સુખી ડેમનું લેવલ ૧૪૭.૭૮ થતા રૂલ લેવલ ૧૪૭.૭૦ જાળવવા માટે ૫ અને ૬ નંબરના દરવાજા ૧૫ સેમી ખોલી ૧૦૪૩.૯૧ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નદી કિનારાના ગામોમાં પાણી છોડતા પહેલા એલર્ટ કરી નદીના પટમાં નહીં ઉતરવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી હતી.

(8:36 pm IST)