Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

થરા અને ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સ્ટાર પ્રચારકોની યાદી જ નહીં આપતા તર્ક વિતર્ક

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ત્રણેય રાજકીય પક્ષોએ સ્ટાર પ્રચારકોની યાદી આપી:હવે કોઈ રાજકીય પક્ષની સ્ટાર પ્રચારકોની યાદી નહીં સ્વીકારવા ચૂંટણી કમિશનરને રજૂઆત

અમદાવાદ : આગામી 4થી ઓક્ટોબરના રોજ ગાંધીનગર મહાનગરપાલિકા સહિત થરા અને ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા અન્ય સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્રારા પ્રચારનો પ્રારંભ કર્યો છે. ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષો દ્વારા સ્ટાર પ્રચારકોની જાહેરસભાઓ યોજવામાં આવે તેવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારકોની યાદી રજૂ કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઇ ગઇ છે. ત્યાં સુધી ભાજપ તરફથી થરા અને ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદી રજૂ કરી નહીં હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. જયારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ એપ્રિલ મહિનામાં સ્ટાર પ્રચારકની યાદી રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારમાં ફેરફાર થયા છે.

સ્વાભાવિક પણે તેઓના નામો સ્ટાર પ્રચારક તરીકે નહીં હોવાથી તેઓ કોઇ સ્થળે પ્રચાર કરવા જશે તો તેનો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ગણાય તેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. આ સ્ટાર પ્રચારકોની યાદીમાં ઉપરોક્ત બાબતો અંગે સામાજિક કાર્યકર સંતોષસિંહ રાઠોડે રાજય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતાં સંતોષસિંહ રાઠોડે રાજય ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદને ઉદ્દેશીને કરેલા બે અલગ અલગ મેઇલમાં જણાવ્યું છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી કોરોના મહામારીની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 10- 04 -2021 ના રોજ ચૂંટણી મોફુક રાખવામાં આવી હતી.

9-04- 21 સુધી થયેલી ચૂંટણી કામગીરીની પ્રક્રિયા રાજ્ય ચૂંટણી આયોગનો બીજો આદેશ ન થાય ત્યાં સુધી મોકુફ રાખવા આદેશ આપવામાં આવ્યો હતો. રાજ્ય ચૂંટણી આયોગ પોતાના આ આદેશનું પાલન કરે તે પ્રત્યે ધ્યાન દોરવા અમે ગઇકાલ તા.22મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી આયોગ કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યારે તમે રાજ્ય ચૂંટણી આયોગ પોતાના આદેશનું પાલન કરશે તે બાબતની ખાત્રી આપી હતી.

વધુમાં જણાવ્યું છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી 5મી એપ્રિલના રોજ, આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકની યાદી 1લી એપ્રિલ અને કોંગ્રેસ પક્ષની સ્ટાર પ્રચારકની યાદી 23 માર્ચના રોજ જાહેર કરવામાં આવી હતી. પરંતુ થરા અને ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા અન્ય સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી સ્ટાર પ્રચારકોની યાદી મોકલવામાં આવી નહીં હોવાની હકીકત અમારી મુલાકાત દરમિયાન અમને માલૂમ પડી છે.

અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૧ માં યોજાયેલી 6 મહાનગર પાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી રાજ્યોની ચૂંટણી આયોગમાં નિયમ કરતા મોડી મોકલવામાં આવતા તેમના સ્ટાર પ્રચારકોને મહાનગર પાલિકાની ચૂંટણી દરમિયાન સ્ટાર પ્રચારક તરીકે ન ગણવાનો નિર્ણય રાજ્ય ચૂંટણી આયોગે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખી લીધો હતો.

ભૂતકાળમાં થયેલી આ ઘટના ફરીથી એકવાર આકાર લેવા જઈ રહી છે આ સમયે થરા તથા ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા અન્ય સ્થાનિક સ્વરાજના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી 4થી ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે.

આ ચૂંટણીના ઉમેદવારો આખરી થવાની તારીખ સુધી ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર જમા કરાવવામાં આવી નથી. જેથી નિયત સમયમર્યાદામાં રાજ્ય ચૂંટણી આયોગને સ્ટાર પ્રચારકની યાદી જમા કરાવવામાં નિષ્ફળ ગયેલા રાજકીય પક્ષને સ્ટાર પ્રચારક તરીકે માન્યતા ન આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

(10:07 pm IST)