Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

વડોદરાના માંજલપુર વડસર રોડ નજીક સરપંચ ચૂંટણીની અદાવત મુદ્દે બે લઘુમતી કોમના જૂથો વચ્ચે અથડામણ

વડોદરા:શહેરના માંજલપુર વડસર રોડ ઉપર ગઈકાલે રાત્રે યુપી ખાતે સરપંચની ચૂંટણીમાં થયેલી તકરારની અદાવત રાખી બે મુસ્લિમ જૂથો વચ્ચે મારામારી અને પથ્થર મારો થતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી. હુમલામાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. તે ઉલ્લેખનીય છે કે, આ તકરાર સંદર્ભે અગાઉ પોલીસને જાણ કરી હોવા છતાં પગલાં ભરવામાં પોલીસે વિલંબ દાખવ્યો હોવાના આક્ષેપ થયા છે. 

યુપી ખાતે સરપંચની ચૂંટણીના પડઘા વડોદરામાં પડતા બે મુસ્લિમ જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર , મૂળ યુપીના વતની અને હાલમાં વડોદરા રહેતા ભોલેખાન પઠાણે જણાવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ યુપી ખાતે સરપંચની ચૂંટણી યોજાઈ હતી. જે દરમિયાન તકરાર થતા તેની અદાવત રાખી રિયાઝખાન ઇલિયાસખાન પઠાણ ( રહે-  વિઠ્ઠલ નગર ,વડસર રોડ) અને બબલુખાન ( રહે - ઈશ્વર નગર ,વડસર રોડ )એ  મને તથા મારા દીકરાઓને જાનથી મારી નાખવાની સાથે ખોટા કેસોમાં ફસાઈ દેવાની ધમકી આપી હતી. જે અંગે અગાઉ પોલીસમાં અરજી આપી હોવા છતાં પોલીસે પગલા ભરવામાં વિલંબ કર્યો છે. દરમિયાન ગઈકાલે મોડી રાત્રે શેરૂ, બબલુ , રિયાઝ સહિત 30 જેટલા લોકોનું ટોળું અચાનક કાશીબા નગર ખાતે આવેલી દુકાન ઉપર ઘસી આવ્યું હતું. અને મારા દીકરા તથા કર્મચારીઓ ઉપર હુમલો કરી પથ્થર મારો કર્યો હતો .જેમાં વાહનને પણ નુકસાન પહોંચ્યું છે. આ હુમલામાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જાહેર રસ્તા ઉપર આમને સામને પથ્થરમારો થતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી અને મોટી સંખ્યામાં લોક ટોળા ઘટના સ્થળે ઉમટીયા હતા. જે અંગેનો વિડીયો પણ હાલ વાયરલ થયો છે. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

(5:34 pm IST)