Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

નવરાત્રીના દિવસો પર સામાન્‍ય વરસાદ વરસી શકે જ્‍યારે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરાઇ

બંગાળની ખાડીના લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાવાની શક્‍યતા

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ગુજરાતમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા નવરાત્રી પર સામાન્‍ય વરસાદ પડવાની શક્‍યતા છે. જ્‍યારે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસી શકે છે.

આ વર્ષે વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓને પરેશાન કરી શકે છે. કારણ કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિના સમય દરમિયાન વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવારણ સૂકું રહેશે. જ્યારે  ગીર સોમનાથ-અમરેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે તો વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી તરફ કચ્છમાં ચોમાસું વિદાય લે તેવી શરૂઆત થઈ ચૂકી છે.

ગુજરાતમાં ચોમાસું હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ વિદાય લેતા પહેલા મેઘરાજા ગુજરાતને ધમરોળી શકે છે. એટલે કે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે.

ગુજરાતમાં હવે ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વાર માઠા સમાચાર મળી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે ખેલૈયા ખુશખુશાલ હતા પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ છે. નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી. મોન્સુન 2022ની વિદાયની ટાઇમ લાઇન કચ્છના લખપત તાલુકા સુધી બતાવાઇ છે.

(5:53 pm IST)