Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

વડાપ્રધાન મોદીના હસ્તે સુરતમાં રૂ.3400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

પાણી પુરવઠાના રૂ.672 કરોડના કાર્યો, રૂ.890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.370 કરોડના ડ્રીમ સિટીના કાર્યો, રૂ.139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો કરાશે

સુરત શહેરમાં વિકાસના અનેકવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે , વડાપ્રધાન મોદી સપ્ટેમ્બર મહિનાના અંતમાં ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે છે. તારીખ 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાત લેશે અને તે દરમિયાન તેઓ રૂ.3472.54 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

  આ વિવિધ વિકાસકાર્યોમાં પાણી પુરવઠાના રૂ.672 કરોડના કાર્યો, રૂ.890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.370 કરોડના ડ્રીમ (DREAM) સિટીના કાર્યો, રૂ.139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે

  સુરતના હીરાઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (DREAM) સિટી પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે. PM મોદી ડ્રીમ સિટીના રૂ.103.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-1 રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે જ, રૂ.9.53 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત ફેઝ-2ના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, વડાપ્રધાન ડ્રીમ સિટીના કુલ રૂ.369.60 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસના ઝડપી વિકાસને કારણે એક પૂરક તરીકે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્પેસની વધતી માંગને પહોંચી વળવાના વિઝન સાથે ગુજરાત સરકારે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ની રચના કરી, જેને ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી લિમિટેડ (DREAM સિટી લિમિટેડ) નામ આપવામાં આવ્યું. આ ડ્રીમ સિટી તેના હિતધારકો માટે સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરશે. હાલ ફેઝ-1 અને ફેઝ-2 સંબંધિત રૂ.400 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય ઘટકોમાં રસ્તાઓ, યુટિલિટી ડક્ટ્સ, સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠો, ગટર નેટવર્ક, વરસાદી પાણીની ગટર વગેરેનો સમાવેશ થાય છે

(7:16 pm IST)