Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માતાજીના શરણે:28મીથી ‘ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’ યાત્રા કાઢશે

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, ઋત્વિજ મકવાણા અને અંબરીશ ડેરના અધ્યક્ષ સ્થાને નીકળશે યાત્રા :ચૂંટણી પહેલા આ યાત્રા સૌરાષ્ટ્રની ઘણી બધી બેઠકોમાં ફરશે

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફુંકાઇ ગયું છે. દરેક રાજકીય પક્ષોએ ચૂંટણીમાં વિજય માટે પ્રચાર-પ્રસાર અભિયાન શરૂ કરી દીધા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં  કોંગ્રેસ દ્વારા 28 સપ્ટેમ્બરે ‘ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. આ યાત્રા એક દિવસની રહેશે અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, ઋત્વિજ મકવાણા અને અંબરીશ ડેરના અધ્યક્ષ સ્થાને નીકળશે. ચૂંટણી પહેલા આ યાત્રા સૌરાષ્ટ્રની ઘણી બધી બેઠકોમાં ફરશે

 કોંગ્રેસ દ્વારા એક તરફ દેશમાં ભારત જોડા યાત્રા શરુ કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસ તરફથી પણ વધુમાં વધુ લોકો સાથે સંપર્ક  થઇ શકે તે માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. 500થી વધુ બાઇક અને કાર સાથે યોજાનાર આ યાત્રા 28 સપ્ટેમ્બરે સવારે રેસકોર્ષ ગ્રાઉન્ડથી સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીજીને ફુલહાર કરીને પ્રસ્થાન થશે. શાપર થઇને ગોંડલ શહેરમાંથી આ યાત્રા નીકળશે, ત્યાંથી વિરપુર દર્શન કરીને ખોડલધામ પહોંચશે. જ્યાં નરેશ પટેલ આ યાત્રાનું સ્વાગત કરશે. ખોડલધામથી જુનાગઢ થઇને ગાંઠિલા જશે અને ત્યાંથી સિદસર જઇને આ યાત્રા પૂર્ણ થશે. આ યાત્રામાં રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના નેતાઓ કાર્યકર્તાઓ જોડાશે.

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ યાત્રા ખૂબ જ મહત્વની છે. આ યાત્રા સૌરાષ્ટ્રની 24 જેટલી બેઠકોને આવરી લેશે અને ત્યાં કોંગ્રેસનો પ્રચાર કરશે. આ યાત્રા થકી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો આ કોંગ્રેસનો પ્રયાસ રહેશે.

(8:50 pm IST)