Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

માં બાપ અને ટીન એજર્સ માટે ચેતવણી રૂપ કિસ્સો: મોબાઈલ ગેમના રવાડે ચડેલી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો

આરોપીને રનીંગ ટ્રેનમાંથી પશ્ચિમ બંગાળના ખડકપુર ખાતેથી RPF પોલીસની મદદથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો

અંકલેશ્વર :માતા પિતા અને ટીન એજર્સ માટે ચેતવણી રૂપ કિસ્સો અંકલેશ્વરમાંથી સામે આવ્યો છે. ફ્રી ફાયર ગેમના માધ્યમથી પશ્ચિમ બંગાળના યુવાનના સંપર્કમાં આવેલી ધોરણ 10 ની છાત્રાને યુવાન અપહરણ કરી લઈ જતો હતો. જોકે અંકલેશ્વર ગડખોલની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર આરોપીને રનીંગ ટ્રેનમાંથી પશ્ચિમ બંગાળના ખડકપુર ખાતેથી RPF પોલીસની મદદથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.

અંકલેશ્વર શહેર પી.આઈ. આર.એચ.વાળા તથા એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ દ્વારા ગુમસુદા બાળકોને શોધી કાઢવા ટીમની રચના કરાઈ છે. અંકલેશ્વર શહેર ગડખોલ વિસ્તારમાં નારાયણનગર ખાતેથી ગત 16 સપ્ટેમ્બરે સગીરવયની બાળાને લગ્નની લાલચ આપી કોઈ યુવાન ભગાડી ગયો હતો.

 

ટીમ દ્રારા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વલન્સથી તથા સાહેદોની પુછપરછથી માહિતી મેળવી આરોપી આ સગીર બાળાને હાવડા સુપરફાસ્ટ ટ્રેન મારફતે વેસ્ટ બંગાલ લઇ જઇ રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું. જની જાણ RPF પોલીસને કરેલ અને ભોગ બનનારના ફોટા શેર કરેલ જેથી RPF પોલીસ દ્રારા ખડકપુર ખાતેથી હાવડા સુપરફાસ્ટ ટ્રેનમાંથી ભોગબનનાર સગીર બાળા તથા આરોપીને રનીંગ ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે આરોપી અસદુલ ગાજી અને સગીર બાળાને લઈ આવી સગીરાને તેના વાલીને સોપાઈ હતી. જ્યારે યુવાનની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફ્રી ફાયર ગેમના માધ્યમથી કિશોરી વેસ્ટ બંગાળના યુવાનના સંપર્કમાં આવી હતી. જેને આ યુવાને લગ્નની લાલચ આપી ભગાડી પશ્ચિમ બંગાળ લઈ જતો હતો. ત્યારે જ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સની મદદથી ઝડપી પાડી સગીરાને પરિવારને સોંપી બચાવી લીધી છે.

(9:24 pm IST)