Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

પર્યાવરણની સુરક્ષા સાથે ગ્રીન કવર વધારીને જળવાયુ પરિવર્તનના પડકારોનો સામનો કરવામાં ગુજરાત યોગદાન આપશે -મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: પ્રધાનમંત્રી મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું
સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ એકતા નગર અને પર્યાવરણ પ્રધાનોની રાષ્ટ્રીય પરિષદમાં સૌનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે ભારત આગામી 25 વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કરી રહ્યું છે ત્યારે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહત્વ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે એકતા નગરનો સર્વાંગી વિકાસ એ પર્યાવરણીય યાત્રાધામનું મુખ્ય ઉદાહરણ છે જ્યારે વાત જંગલો, જળ સંરક્ષણ, પ્રવાસન અને આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોની આવે છે.ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ, કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસિલિઅન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લાઈફ ચળવળના ઉદાહરણો આપતાં પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ભારત માત્ર રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં જ મોટી પ્રગતિ નથી કરી રહ્યું, પરંતુ વિશ્વના અન્ય દેશોને પણ માર્ગદર્શન આપી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણને એવા પ્રધાનમંત્રી મળ્યા છે, જે સમય પહેલા જ સંભવિત સમસ્યાઓના સમાધાન માટે કામમાં લાગી જાય છે.  વન સંરક્ષણના ઉપાયની વાત હોય, જળવાયુ પરિવર્તનના પડકારોની વાત હોય કે પછી પર્યાવરણના રક્ષણ માટે બિન પરંપરાગત ઊર્જાનો વિષય હોય, પ્રધાનમંત્રી મોદીએ પર્યાવરણની સુરક્ષાના વિષયને હંમેશા પ્રાથમિકતા આપી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
 નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં વર્ષ - ૨૦૦૯ માં જ દેશમાં જ નહીં, પરંતુ એશિયાના પહેલા જળવાયુ પરિવર્તન વિભાગની શરૂઆત કરી દીધી હતી, તેમ કહી તેમણે જણાવ્યું કે, "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના જન-જનને વન સાથે જોડવાનો એક નવો અભિગમ આપ્યો છે. વન અને પર્યાવરણની સંરક્ષણની દિશામાં ગુજરાતના પ્રયાસો પણ અનેક વર્ષોથી જારી છે".
 રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ યોજાતો વન મહોત્સવ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ નહી, પરંતુ વન સંરક્ષણની દિશામાં ગુજરાત દ્વારા લાવવામાં આવેલી એક નવી ક્રાંતિ હોવાનું મુખ્યમંત્રીએ જણાવતા ઉમેર્યું કે,નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યને આ ક્રાંતિકારી પહેલ શરૂ કરી હતી. આજે પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે અલગ-અલગ જિલ્લાઓમાં વન મહોત્સવ હેઠળ રાશિ વન, નક્ષત્ર વન જેવા અનોખા ખ્યાલ સાથે અનેક વન્ય કાર્યક્રમોનું નિર્માણ કર્યું છે, તેમ મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું.
 વન સંરક્ષણને લઈને અમારા વિભિન્ન પ્રયાસોના કારણે છેલ્લા બે દાયકામાં રાજ્યમાં ગ્રીન કવર વધ્યું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વર્ષ - ૨૦૦૩માં વન વિસ્તારના બહારના ક્ષેત્રોમાં આવા વિસ્તારો ૨૫ કરોડ હતા, જે વર્ષ-૨૦૨૧માં વધીને ૪૦ કરોડ થયા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.પર્યાવરણની સુરક્ષા સાથે ગ્રીન કવર વધારીને જળવાયુ પરિવર્તનના પડકારોનો સામનો કરવામાં પણ ગુજરાત યોગદાન આપશે, તેવો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિશ્વાસ અપાવ્યો હતો.
વન અને પર્યાવરણ વિભાગના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવે આ બેદિવસીય રાષ્ટ્રીય પરિષદની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રદૂષણ અંગેની ચિંતા કરે છે. તેમના દ્વારા પ્રકૃત્તિ અને પર્યાવરણના સંરક્ષણ માટે અનેક પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. તેમણે મિશન લાઇફનું વિઝન આપ્યું છે અને તેને સાકાર કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ.  હવે દરેક રાજ્યો સાથે મળીને એક ટીમના રૂપમાં પર્યાવરણને બચાવવાના મહાકાર્ય કરવા માટે આગળ આવીએ, તેવી તેમણે હાંકલ કરી હતી
આ વેળાએ કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વિની ચૌબે, નીતિ આયોગના મુખ્ય કારોબારી અધિકારી પરમેશ્વરમ ઐયર, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના સચિવ સુશ્રી લીના નંદન,ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. સોલંકી, ગુજરાત રાજ્ય વન વિભાગના વડા એસ.કે. ચતુર્વેદી, વિવિધ રાજ્યોમાંથી આવેલા વન મંત્રીઓ, વન વિભાગના સેક્રેટરીઓ, સીપીસીબીના ચેરમેનઓ, નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(10:22 pm IST)