Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રાજપીપલા સખી વન સ્ટોપ સેન્ટરે વિખૂટી પડેલી માનસિક અસ્વસ્થ મહિલાનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી સંલગ્ન "સખી" વન સ્ટોપ સેન્ટર, નર્મદાએ માનસિક અસ્વસ્થ મહિલાની જરૂરી સારવાર કરાવી તેના પરિવાર સાથે તેનો મેળાપ કરાવવાની ઉમદા કામગીરી કરી હતી
પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસ અગાઉ રાજપીપળા ટાઉન પો.સ્ટે. દ્વારા એક અજાણી મહિલાને આશ્રય અને પરામર્શ માટે રાજપીપળા સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવ્યા તેમની ટીમ દ્વારા મહિલાનું કાઉન્સલિંગ કરતા જાણવા મળ્યું કે તેઓ માત્ર હિન્દી ભાષા બોલી અને સમજી શકે છે. કાઉન્સલિંગ બાદ મહિલાને મેડિકલ સહાયની જરૂર જણાતા સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા તેમને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દસ દિવસ સુધી દાખલ કરવામાં આવ્યા હતાં. જે દરમિયાન મહિલા સાથે રાજપીપલા ટાઉન પોલીસ સ્ટેશનના બે મહિલા કર્મચારીઓને તેમની સારસંભાળ અને સુરક્ષા માટે રાખવામાં આવ્યા હતા. સારવાર બાદ મહિલાને ફરીથી "સખી" વન સ્ટોપ સેન્ટર ખાતે લાવી સખી વન સ્ટોપના કર્મચારીઓ અને ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલ મહિલાના કુટુંબજનોને શોધવા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા અંતે પરિવાર સાથે સંપર્ક થતા જાણવા મળ્યું કે ગુમ થયેલ મહિલા ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાની વતની છે અને તેઓ માનસિક રીતે અસ્વસ્થ હતા. ગુમ થયેલ આ મહિલાને તેમનું પરિવાર સખી વન સ્ટોપ સેન્ટર પર લેવા માટે આવી પહોંચ્યા હતા. ગુમ થયેલ મહિલાને પરત પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાવવા બદલ તેઓના પરિવારજનો એ સખી વન સ્ટોપ સેન્ટરનો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કરીને તેમની કામગીરીને બિરદાવી હતી. જિલ્લાની સખી વન સ્ટોપ સેન્ટર અને ટાઉન પો.સ્ટે.નાં કર્મચારીઓએ ગુમ થયેલ મહિલાને પોતાના પરિવાર સુધી પહોંચાડવામાં પ્રશંસનીય કામગીરી કરી છે.

(10:33 pm IST)