Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં બેડની કૃત્રિમ અછતના આરોપ બાદ AHNA સફાળું જાગ્યું :કોવીડના દર્દીઓને દાખલ કરવાના માપદંડ નક્કી

કોરોના દર્દીની ઉંમર, અન્ય બીમારી અને દર્દીની સ્થિતિ સહિતના પાંચ માપદંડ નક્કી કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા ખાનગી હોસ્પિટલો તેમના બેડ ખાલી હોવા છતાં પણ તેની કૃત્રિમ અછત ઊભી કરી રહી હોવાના આરોપના પગલે  અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિયેશન ( AHNA) સફાળું જાગ્યું છે. તેણે ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને દાખલ કરવાના માપદંડ નક્કી કર્યા છે.

એએમસી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો દ્વારા કોવિડ-19ના દર્દીઓની સારવારમાં રીતસરની લૂંટ ચલાવવામાં આવી રહી છે અને આ ઉપરાંત બેડ ખાલી હોય તો પણ તેને ભરેલા બતાવીને બેડની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે. તેના લીધે કોરોનાના દર્દીઓને વધારે પ્રમાણમાં હાલાકી વેઠવી પડી રહી છે

એએમસીની વાતને ગંભીરતાપૂર્વક લઈને AHNAએ ખાનગી હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીને સારવાર માટે દાખલ થવા માટે પાંચેક પ્રકારના માપદંડ નક્કી કર્યા છે. તેમના પ્રથમ માપદંડ મુજબ 60 વર્ષથી ઉપરના કોવિડના દર્દીને અગ્રતા આપવામાં આવશે. કોવિડ થાય અને જો અગાઉથી તે દર્દીને અન્ય બિમારી ચાલતી હોય કે સારવાર ચાલતી હોય તો પણ અગ્રતા આપવામાં આવશે. લીવર, કિડની ટ્રાન્સપ્લા્નટ, એચઆઇવી ચેપવાળા દર્દીને તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયાસ કરવામાં આવશે.

બીજા માપદંડમાં છેલ્લા ત્રણ દિવસથી કોવિડના દર્દીના શરીરનું તાપમાન 101 એફ આવતું હશે તો તેને દાખલ કરવામાં આવતું હશે. જો કે દર્દીએ સળંગ ત્રણ દિવસ આટલું તાપમાન નોંધાવ્યું હોય તેનો રેકોર્ડ કેવી રીતે જાળવ્યો હશે તેના અંગે તેણે કોઈ ફોડ પાડ્યો નથી. ત્રીજા માપદંડમાં શરીરનું ઓક્સિજનનું સ્તર 94 ટકા કરતાં ઓછું થઈ જાય તેવા કિસ્સામાં તેને તાત્કાલિક દાખલ કરવામાં આવશે. ચોથા માપદંડ મુજબ કોવિડના દર્દીઓ જેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેમને દાખલ કરવામાં આવશે. જ્યારે પાંચમાં માપદંડમાં ફેફસા સિવાય શરીરના કોઈ અંગમાં તકલીફ થઈ રહી હોય તેવા દર્દીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

 

આ પાંચ માપદંડ સિવાય કોરોનાનો કોઈ દર્દી દાખલ થવા ઇચ્છતો હશે તો જે તે હોસ્પિટલના ડોક્ટર પરિસ્થિતિ મુજબ નિર્ણય લેશે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના મહત્તમ બેડ ભરાઈ જતા હોવાથી અને બેડ મળતા ન હોવાની સતત ફરિયાદના આધારે AHNAએ આ પાંચ માપદંડ નક્કી કર્યા છે. કોરોના થયો હોય તેવા દસથી પંદર ટકા દર્દીને જ દાખલ કરીને સારવારની જરૂર પડતી હોવાથી આ માપદંડ સેટ કરવામાં આવ્યા છે.

(10:12 pm IST)