Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ગુરૂવારે દેવઊઠી એકાદશી : તુલસી વિવાહ સાથે લૌકિક કાર્યો શરૂ થશે

લગ્નસરાનો આરંભ થશે, પણ કોરોના -કર્ફયુને લઇ ચિંતા : એકાદશી મુદ્દે અસમંજસ, બુધવારે સ્માર્ત અને ગુરૂવારે ભાગવત એકાદશી રહેશે

અમદાવાદ,તા. ૨૩: હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતી દેવઊઠી એકાદશીની ગુરુવારે ર૬ નવેમ્બરના રોજ ઉજવણી થશે. દરમિયાન તુલસી વિવાહ આરંભ સાથે જ હિન્દુ ચાતુર્માસ પૂરા થશે, લગ્નસરાની નવી સિઝન શરૂ થશે અને લૌકિક કાર્યોનો આરંભ થશે. જો કે, કોરોના અને કરફયૂને કારણે વર-કન્યા પક્ષ, ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા શહેરીજનોની ચિંતામાં વધારો થઈ ગયો છે.

નોંધનીય છે કે, હિન્દુ પંચાગ પ્રમાણે દેવપોઢી એકાદશીથી દેવઊઠી એકાદશી સુધીનો ચાર મહિનાનો સમયગાળો ચાતુર્માસ તરીકે મનાવવામાં આવે છે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં રહેતા હોવાની માન્યતાને આધારે લગ્ન કાર્યો કરવામાં આવતા નથી. કારતક સુદ એકાદશીએ દેવઊઠી એકાદશીની ઉજવણી સાથે જ તુલસી અને ભગવાન શાલીગ્રામની વિવાહ વિધિ સંપન્ન કર્યા બાદ લગ્નનો આરંભ થાય છે.ચાલુ વર્ષે ગુરૂવારે ૨૬ નવેમ્બરે દેવઊઠી એકાદશી સાથે જ લૌકિક કાર્યોનો આરંભ થશે. જોકે, રપમીના બુધવાર અને ર૬ મીના ગુરૂવાર એમ બે દિવસમાંથી એકાદશીની ઉજવણીને લઇને મૂંઝવણ જોવા મળી રહી છે. જેમાં બુધવારે સ્માર્ત અને ગુરૂવારે ભાગવત એકાાદશીની ઉજવણી કરવાનો મત જયોતિષીઓ આપી રહ્યા છે. શાસ્ત્રી ડો. કર્દમ દવેના જણાવ્યા મુજબ, ગુરુવારે ૨૬ નવેમ્બરે દેવઊઠી એકાદશી રહેશે. ગુરૂવારે બારસની વૃદ્ઘિ તિથિ છે. ગુરૂવારે પબોધિની ભાગવત અગિયારસ, દેવઊઠી અગિયારસ, ચાતુર્માસ સમાપ્ત અને તુલસી વિવાહનો આરંભ થશે.

ગુરૂવારે સવારે ૫.૧૨ કલાકે કમુરતા પૂરા થઇ જશે અને લૌકિક કાર્યોનો આરંભ થશે. કારતક માસની શુકલ પક્ષની એકાદશીને ભગવાન વિષ્ણુની ભૈયા એકાદશી 'પ્રબોધિની' કહેવામાં આવે છે. આ પ્રબોધિની એકાદશીનું મહત્ત્વ એટલું બધું છે કે જો કોઇ વ્યકિત આ દિવસે ભગવાન વિષ્ણુજીનો એક શ્લોક કે અડધો શ્લોક કે આરાધન કરે તો તેના બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ઘાવસ્થા આ ત્રણેય અવસ્થાના પાપોનો નાશ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પ્રિય વૃંદા એટલે કે તુલસીનું પૂજન પણ કરવું જોઇ એ. આ દિવસે તુલસીનું પૂજન કરવાથી જેવી રીતે તુલસીની વૃદ્ઘિ થાય છે એવી જ રીતે પરિવારમાં બધા જ વ્યકિતઓની વૃદ્ઘિ થાય છે. આ દિવસે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ શાલીગ્રામના વિવાહ તુલસીજી સાથે કરાવવામાં આવે છે. આ દિવસથી જ બધા લૌકિક પ્રસંગોનો પ્રારંભ થાય છે.

મહાભારત અને મૂર નામના દૈત્ય સાથે જોડાઇ છે એકાદશીના મહત્વની વાયકા

હિન્દુ સમુદાયમાં એકાદશીના મહત્ત્વ સાથે જ મહાભારત અને મૂર નામના દૈત્યની લોકવાયકા જોડાઇ છે. લોકવાયકા પ્રમાણે, યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને એકાદશી વ્રતના આરંભ અંગે પ્રશ્ન પૂછયો હતો. ભગવાન કૃષમએ જમાવ્યું હતું કે. સતયુગના મધ્યમાં મળ નામનો દૈત્ય રૌદ્ર અને દેવતાઓનો દુશ્મન હતો. મૂર દૈત્ય સાથેના યુદ્ઘમાં ઇજા બાદ ભગવાન વિષ્ણુ બદરીકાશ્રમ ધામમાં સિંહાવતી નામની ગુફા હતી ત્યાં જઇને વિરામ કરી રહ્યા હતા તે સમયે મૂર દૈત્યએ ત્યાં પહોંચી ભગવાનને મારી નાખવાનો વિચાર કર્યો. દરમિયાન ભગવાનના શરીરમાંથી એક દિવ્ય કન્યા પ્રગટ થઇ અને તેને મૂર દૈત્યને પરાસ્ત કર્યો હતો. તેનાથી પ્રભાવિત થઇને ભગવાને વરદાન માંગવાનું કહું ત્યારે કન્યાએ તે દિવસે પક્ષનો ૧૧મો દિવસ હોવાથી તેને અગિયારસ તરીકે સ્થાન આપવાનું, અગિયારસનું વ્રત કરનારના બધા પાપનો નાશ થાય એવું વરદાન માંગ્યું હતું. તે સાથે જ આ કન્યા એકાદશી તરીકે પ્રસિદ્ઘ થઇ હતી.

(11:43 am IST)