Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

'શાદી તો કરકે રહુંગા'

૫૭ કલાકના કફર્યૂમાં ૭૦ જેટલા લગ્ન થયા

અમદાવાદ, તા.૨૩: રવિવારે સાંજે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સમાં કર્ફ્યૂના જાહેરનામાના અમલ શહેરીજનોએ આપેલી સહકારની સરાહના કરી હતી. કોરોના સામેની લડાઈ પૂર્ણ થઈ ન હોવાનું જણાવીને ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા જાહેર કરાનાર નિયમોના પાલનમાં પ્રજાનો સાથ મળી રહેશે તેવી આશા વ્યકત કરી હતી. આ દરમિયાન તેઓએ કર્ફ્યૂ દરમિયાન શહેરમાં ૭૦ જેટલા લગ્ન થયા હોવાનું ઉમેર્યું હતું.

પોલીસ કમિશનરે કહ્યું કે, અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂને લઈને નવું જાહેરનામું બહાર પાડવામાં આવશે. જેમાં રાત્રે લગ્નની મંજૂરી નહીં મળે. ૯ વાગ્યા સુધીમાં તમામ કાર્યક્રમો પૂર્ણ કરવાના રહેશે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં ૨ દિવસમાં ૭૦થી વધુ લગ્ન માટે અરજી આવી છે. જેમાં ૬ હજાર લોકો ભાગ લેવા માટે પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

અમદાવાદમાં જયાં સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે ત્યાં સુધી રાત્રે ૯ વાગ્યા પછી કોઈ પણ નાગરિકને લગ્ન સહિતના કોઈપણ પ્રસંગ કરવા પરવાનગી આપવામાં આવશે નહીં. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે નાગરિકને પ્રસંગ કરવો હોય તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પરવાનગી મેળવીને રાત્રે ૯ વાગ્યા સુધીમાં પ્રસંગની પૂર્ણાહુતિ કરી દેવાની રહેશે. આજે આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે.

(4:22 pm IST)