Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સમીસાંજે બારડોલીમાંઅચાનક ગાજવીજ વરસાદ ખાબક્યો : કડોદમાં ટ્રાન્સફોર્મર પર વીજળી પડતાં ગામમાં અંધારપટ્ટ

ખેતરોમાં પાણી ભરાય જવાથી શેરડી રોપણીને પણ અસર

બારડોલીમાં કમોસમી વરસાદ ચોમાસુ ચાલતું હોય તેમ ખમૈયા કરવાનું નામ જ નથી લેતો. છેલ્લા ચાર દિવસથી બારડોલી અને આજુબાજુના ગામડાઓમાં થઈ રહેલા માવઠાને કારણે ખેડૂતોને મોટી મુશ્કેલી ઊભી થઈ છે. સોમવારે સાંજે બારડોલી સહિત કડોદ વિસ્તારમાં અચાનક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. કડોદમાં ટ્રાન્સફોર્મર પર વીજળી પડતાં ગામમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.

હવામાન વિભાગ દ્વારા 21મી સુધી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી. પરંતુ આજે 22મીના રોજ સાંજના સમયે અચાનક આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા હતા અને ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થતાં કામ અર્થે બહાર નીકળેલા લોકોમાં પણ દોડાદોડી વધી ગઈ હતી. હાલ લગ્નની સિઝન ચાલી રહી હોય લગ્નમાં પણ વરસાદ વિલન બનીને આવ્યો છે. કેટલીક જગ્યાએ લગ્ન મંડપ ભીંજાય જતાં પરિવારજનો અને સગાસંબંધીઓ પણ ચિંતામાં મુકાય ગયા હતા. આ ઉપરાંત વરસાદને કારણે હાલ શેરડી કાપણીને પણ અસર થઈ રહી છે. જેમ તેમ ખેતરની જમીન સુકાય અને ફરી મોટું ઝાપટું આવી જતાં ખેડૂતો અને શેરડી કાપતા મજૂરોની હાલત પણ કફોડી થઈ ગઈ છે. શેરડીનું વાહતુક કરવામાં મુશ્કેલી આવી રહી છે. બીજી તરફ ખેતરોમાં પાણી ભરાય જવાથી શેરડી રોપણીને પણ અસર થઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કડોદમાં ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં આકાશી વીજળી ટ્રાન્સફોર્મર પર પડતાં ટ્રાન્સફોર્મર ફૂંકાય ગયું હતું. જેને કારણે સોની ફળિયા અને આસપાસના વિસ્તારમાં અંધારપટ છવાય ગયો હતો.

(10:03 pm IST)