Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

અમદાવાદમાં 85 હજાર દીવડાઓથી મા ઉમિયા મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ: મહાઆરતી સાથે વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

એક સાથે હજારોની સંખ્યામાં દીપ પ્રગટ્યા અને અલૌકિક વાતાવરણ પણ સર્જાયું

અમદાવાદમાં મા ઉમિયા માતાના ધામમાં અદભૂત નજારો સર્જાયો છે.  જ્યારે 85 હજારથી પણ વધુ દીવડાઓથી મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ હતી. જાસપુરમાં જ્યાં મંદિર નિર્માણ કાર્ય શરૂ થયું છે ત્યારે મા ઉમિયાની મહાઆરતી સાથે વર્લ્ડ રેકોર્ડ સર્જાયો તેમજ  એક સાથે હજારોની સંખ્યામાં દીપ પ્રગટ્યા અને અલૌકિક વાતાવરણ પણ સર્જાયું.

આજથી આસ્થાના કેન્દ્ર અને વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ થઈ રહ્યો છે. અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બેનર હેઠળ પાટીદાર અગ્રણીઓ એકઠા થયા છે. વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

 

આ મંદિરના નિર્માણ કાર્ય પ્રસંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ ઉમિયાધામના નિર્માણ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત મંત્રીઓ અને સંતો-મહંતો તથા સમાજ શ્રેષ્ઠીઓ સામેલ થયા હતા.

નિર્માણ કાર્યારંભ સમારોહની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરાઈ. આ પ્રસંગે વિજયભાઈ  રૂપાણીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી પરંપરામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જોડાયું છે અને મંદિર નિર્માણ કરે છે.

વધુમાં તેમણે કહ્યું કે, માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ તમામ સમાજ માટે આ ગૌરવની વાત છે, ગુજરાતમાં સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા, સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં અને સૌથી મોટો પાર્ક કચ્છમાં બન્યો છે. જે પરંપરા નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી છે તેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જોડાયું અને હવે તે જ દિશામાં મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે

(10:36 pm IST)