Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસરોએ શોધી કાઢી 'ઓબેસિટી'ની આડઅસર વગરની દવા

અત્યાર સુધી ઉપલબ્ધ દવાઓની સાઇડ ઇફેકટના કારણે હાર્ટ એટેક અને કેન્સર જેવા જોખમો હોવાથી દવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે

વડોદરા,તા.૨૩: વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનના રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં ૨૦૦ કરોડથી વધુ લોકો જાડાપણું એટલે કે ઓબેસિટીની સમસ્યા સાથે જીવી રહ્યા છે. વજન ઘટાડવા માટેની અત્યાર સુધી ઉપલબ્ધ દવાઓની ભયંકર આડઅસરના કારણે મોટાભાગની દવાઓ પાછી ખેંચી લેવામાં આવી છે અથવા તો તેના પર વિશ્વના અનેક દેશોમાં પ્રતિબંધ છે ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પ્રોફોસરોએે અસરકારક રીતે વજન ઘટાડી શકે તેવી આડઅસર વગરની દવા શોધી કાઢી છે જેને ભારત સરકારે પેટન્ટ આપી છે.

એમ.એસ.યુનિવર્સિટીના ફાર્મસી ડિપાર્ટમેન્ટે આ સિધ્ધિ હાંસલ કરી છે. ડિપાર્ટમેન્ટના ફાઉન્ડર ડીન પ્રો.એમ.આર.યાદવના માર્ગદર્શન હેઠળ ડો.પ્રશાંત આર.મુરૂમકર, આસિ.પ્રો ડો.મયંક શર્મા અને રિસર્ચ સ્કોલરની ટીમે મળીને આ ક્રાંતિકારી દવાની શોધ કરી છે. આ અંગે માહિતી આપતા ડો.પ્રશાંત મુરૂમકરે કહ્યું હતું કે 'ઓબેસિટી એટલે કે શરીરમાં જામેલી વધારે પડતી ચરબીનો નિકાલ કરવા માટે અત્યાર સુધી ત્રણ મુખ્ય દવાઓ ઉપલબ્ધ હતી જેમાં 'સિબ્યુટ્રામાઇન', 'લોરકાસેરીન' અને 'રિમોનાબેન્ટ' સમાવેશ થાય છે.

'સિબ્યુટ્રામાઇન'આડ અસરથી હૃદય બંધ થઇ જવુ અથવા તો હાર્ટ એટેક આવતો હતો જેના કારણે ૧૦ વર્ષ પહેલા જ તે દવા પર પ્રતિબંધ આવી ગયો.   'લોરકાસેરીન' આડઅસરથી કેન્સર જેવી બીમારી થતી હતી એટલે તેના પર ગત વર્ષે જ પ્રતિબંધ આવી ગયો જયારે 'રિમોનાબેન્ટ' સાયકોલોજિકલ અસર થતી હતી જેના કારણે દર્દી આત્મહત્યા કરવા પ્રેરાતો હતો એટલે તેના પર પ્રતિબંધ લાગી ગયો. આ દવાઓની આડઅસરના કારણે અમે એવી દવાની શોધમાં હતા કે જેની આડઅસર ના હોય એટલે અમે ૧૦ વર્ષ પહેલા સંશોધન હાથ ધર્યુ હતુ અને આખરે અમને ૨૦૧૭માં સફળતા મળી ગઇ એટલે અમે ભારત સરકારને પેટન્ટ માટે અરજી કરી હતી જે અનુસંધાનમાં તાજેતરમાં અમને પેટન્ટ મળી ગઇ છે.

આડઅસર વગરની ઓબેસિટીની નવી દવા કઈરીતે કામ કરે છે તે અંગે વાત કરતા ડો.પ્રશાંત મુરૂમકરે કહ્યું હતું કે અત્યાર સુધીની પરંપરાગત દવાઓની આડ અસર એ હતી કે તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (સીએનએસ) ઉપર અસર કરતી હતી જેના કારણે વ્યકિતને  ગંભીર બીમારીઓ લાગુ પડતી હતી એટલે અમે સીએનસ સુધી આ દવા ના પહોંચે એવા કમ્પાઉન્ડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અમે અનેક કમ્પાઉન્ડ ઉપર સંશોધન કર્યા બાદ એ શોધી કાઢ્યુ કે કેનેબિનોડ-૧ નામનું રિસેપ્ટર છે તેના દ્વારા ઓબેસિટીની દવા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી પહોંચે છે એટલે અમે કેનેબિનોડ-૧ને બ્લોક કરે તેવી પધ્ધતિ શોધી કાઢી એટલે હવે ઓબેસિટીની દવા બ્લડ બ્રેઇન બેરિયરને ક્રોસ નહી કરે એટલે સાઇડ ઇફેકટ નહી થાય.

ઉપરાંત 'ઓબેસિટી'ને ઘટાડવા માટે અમે દવામાં 'થેનોથાઇઝાઇન' નામના તત્વનો ઉપયોગ  કર્યો છે. આ તત્વની અમે એનિમલ સ્ટડી કરી છે અને નોંધ્યુ છે કે જે પ્રાણીને આ દવા આપવામાં આવી તેના ખોરાકમા ૪૩ ટકા ઘટાડો નોંધાયો છે.

(9:52 am IST)