Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

૧૩ વર્ષથી અલગ રહેતા પતિ-પત્નીના લગ્નજીવનમાં હવે શું બાકી રહ્યું છે ?

ડિવોર્સની અરજી પર ફેમિલી કોર્ટે આપેલા ચુકાદાને પતિએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો : પતિએ કરેલી અપીલમાં હાઇકોર્ટનો પક્ષકારોને સવાલ : હાઇકોર્ટે કહ્યું કે, પત્ની ડિવોર્સ માટે તૈયાર હોય તો કાર્યવાહીનો અંત લાવી શકાય : બંને પક્ષોએ કોઇ સમજૂતિ ન દર્શાવતા કેસ ગુણદોષ પર ચલાવવાનું નક્કી કર્યું

અમદાવાદ તા. ૨૩ : ફેમિલી કોર્ટે પતિની ડિવોર્સની અરજી રદ કરી દેતા હાઈકોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં કોર્ સમક્ષ એવી હકીકત સામે આવી કે, પતિ-પત્ની છેલ્લા ૧૩ વર્ષથી અલગ રહે છે અને તેમના પુત્રની ઉંમર પણ હવે ૧૭ વર્ષની થઈ ગઈ છે. તેથી કોર્ટે એવી ટકોર કરી હતી કે, જો પતિ-પત્ની ૧૩ વર્ષથી કોઈ રીતના સંબંધમાં જ ન હોય તો આવા લગ્નજીવનમાં શું બાકી રહી ગયું છે.

પ્રસ્તુત કેસની વિગતો એવી છે કે, પતિએ ફેમિલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે અને ડિવોર્સની માંગ કરી છે. જયારે પત્ની ડિવોર્સ આપવાનો વિરોધ કરી રહી છે. સુનાવણીમાં એવી હકીકત સામે આવી હતી કે, બંને ૧૩ વર્ષથી અલગ રહે છે અને પુત્ર પણ ૧૭ વર્ષનો થઈ ગયો છે. પતિ ખાનગી કંપનીમાં કામ કરે છે અને મહિને ૩૦ હજારની આવક છે. કોર્ટના આગેશ મુજબ તેને દર મહિને ભરણ પોષણના પાંચ હજાર ચૂકવણી પણ કરવાની છે.

દરમિયાન સોમવારે સુનાવણીમાં કોર્ટે પત્નીને વકીલને પૂછ્યું હતું કે, શું પત્ની આ લગ્નજીવનનો અંત લાવવા માટે તૈયાર છે? પરંતુ પત્ની તરફથી એનો ઈન્કાર કરવામાં આવતા કોર્ટે કહ્યું હતું કે, જો પત્ની લગ્નનો અંત લાવવા માંગતી હોય તો બંને પક્ષોએ શરૂ કરેલી કાર્યવાહીનો અંત લાવી શકાશે. આમ બંને પક્ષોએ કોર્ટમાં કોઈ સમજૂતિ ના દર્શાવતા કોર્ટે કેસ મેરિટ પર સાંભળવા નક્કી કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

(10:16 am IST)