Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

આણંદની સગીરાને ભગાડી લઇ જનાર બોરીઆવીના શખ્સને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

આણંદ : આણંદ શહેરના રાજશિવાલય ટોકીઝ નજીક આવેલ ઝુપડપટ્ટી ખાતે રહેતી એક સગીર બાળાને આજથી લગભગ સાડા ચાર વર્ષ પૂર્વે આણંદ તાલુકાના બોરીઆવી ગામે રહેતો એક યુવક કાયદેસરની વાલીપણાંમાંથી ભગાડી લઈ ગયો હતો. આ બનાવમાં આણંદની કોર્ટે સગીરાને ભગાડી જનાર યુવકને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.

મૂળ ઉત્તરપ્રદેશના બદાયુ જિલ્લાના મહેમુદપુર ગામનો રહેવાસી અને લગભગ સાડા ચાર વર્ષ પૂર્વે આણંદ તાલુકાના બોરીયાવી ગામે પટાકનગર ખાતે રહેતો કોમલ દાનસહાય રાજપૂત ઠાકોર ગત તા.૫-૨-૨૦૧૭ના રોજ આણંદ શહેરના રાજશિવાલય ટોકીઝ નજીક આવેલ ઝુપડપટ્ટી ખાતે રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને લલચાવી પટાવી જારકર્મ કરવાના ઈરાદે કાયદેસરની વાલીપણાંમાંથી ભગાડી લઈ ગયો હતો. બાદમાં કોમલ ઠાકોર આ સગીરાને ઉત્તરપ્રદેશના મહેમુદપુર ગામે પોતાના ઘરે લઈ જઈ ત્રણેક માસ સુધી તેણીને રાખી અવાર-નવાર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. જે અંગે સગીરાની માતાએ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગત મે, ૨૦૧૭માં કોમલ ઠાકોરને ઝડપી પાડી ચાર્જશીટ ફાઈલ કરી હતી.

આ કેસ આણંદના સ્પેશ્યલ જજ અને એડીશ્નલ સેશન્સ જજ જી.એચ.દેસાઈની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે ઉપસ્થિત સરકારી વકીલની દલીલો અને ૧૪ દસ્તાવેજી પુરાવા તથા ૧૨ સાક્ષીઓના નિવેદનોના આધારે ન્યાયાધીશે કોમલ દાનસહાય રાજપૂત ઠાકોરને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂા.૨૨ હજારનો દંડ ફટકારતો ચુકાદો સંભળાવ્યો છે. સાથે સાથે પીડીતાને રૂા.૫ લાખનું વળતર ચુકવવાનો પણ હુકમ કર્યો છે.

(5:54 pm IST)