Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

અમદાવાદમાં વકરતી ગુનાખોરી : ગોળલીમડામાં લુખ્ખા તત્વો બેફામ :ચાઈનીઝ લારીના માલિક અને સ્ટાફ પર છરીથી હુમલો

આ અગાઉ જુહાપુરામાં જાહેર રસ્તા પર એક રિક્ષા ચાલકને ગુંડાઓએ ઢોર માર માર્યો હતો

અમદાવાદ :શહેરના ગોળલીમડામાં ગત રાત્રે લુખ્ખા તત્વોએ આંતક મચાવ્યો હતો. ચાઈનીઝની લારીના માલિક અને સ્ટાફ સાથે માથાકુટ કરી છરીના ઘા માર્યા હતા. આ બનાવની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બે લોકો સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં દિવસે દિવસે લુખ્ખા તત્વોનો આંતક વધતો જોવા મળી રહ્યો છે. થોડાક દિવસો પહેલા જુહાપુરામાં જાહેર રસ્તા પર એક રિક્ષા ચાલકને ગુંડાઓએ ઢોર માર માર્યો હતો. ત્યારે ગત મોડી રાત્રે ગોળ લીમડા પાસે અલિફ ચાઈનીઝની લારીના માલિક અને તેના સ્ટાફ પર બે શખ્શોની દાદાગીરી સામે આવી હતી. ચાઈનીઝના માલિકને સામાન્ય બાબતે માર માર્યો હતો અને છરી વડે હુમલો કર્યો હતો. જો કે, આ ઝધડામાં એક વ્યકિતને છરી વાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને લઈ પોલીસે બે આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

 

પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે, જમાલપુરમાં રૃપિયાની લેતી-દેતીમાં યુવક ઉપર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીના પિતાના નામે એક વેપારી પાસેથી ઉછીના રુપિયા લીધા હતા. આરોપીઓએ ફરિયાદીના ઘરે આવ્યા હતા જેથી આરોપીઓને ફરિયાદીના પિતાએ રુપિયા આપી દેવાની વાત કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલતા હતા ફરિયાદીએ ગાળો બોલાવાની ના પાડતાં યુવક સાથે ઝપાઝપી કરીને ચાકુથી હુમલો કર્યો હતો જેથી યુવકને ગરદનના ભાગે ઇજાઓ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, થોડાક મહિનાઓ પહેલા જમાલપુર વિસ્તારમાં હાજીબીબીના ટેકરા પાસે એક 45 વર્ષના વ્યક્તિની ચાકૂના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા બાદ લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

(6:52 pm IST)