Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

‘સસ્તો દારૂ, મોંઘું તેલ’ અને ‘મોંઘવારી હટાવો': કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કરાયો

નડિયાદમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલી યાત્રા દરમિયાન મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન

અમદાવાદ : રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ પક્ષોએ પોતપોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.ભાજપ રાજ્યભરમાં સ્નેહ મિલનના કાર્યક્રમો યોજી રહી છે ત્યારે  કોંગ્રેસ જનજાગૃતિ અભિયાન ચલાવી કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષ્ફળતાનો પર્દાફાશ કરી રહી છે. ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલી યાત્રા દરમિયાન મોંઘવારી મુદ્દે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કર્યો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ દ્વારા નડિયાદના સંતરામ મંદિરથી તાલુકા પંચાયત કચેરી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોઓ પણ જોડાયા હતા અને મોંઘવારી સામે ઉગ્ર વિરોધ કર્યો.

કોંગ્રેસના નેતાઓએ મોંઘવારી મુદ્દે ‘સસ્તો દારૂ, મોંઘું તેલ’ અને ‘મોંઘવારી હટાવો…’ જેવા સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પદયાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનરો અને પોસ્ટરો લઈને ‘ગુજરાત અસુરક્ષિત અને મોંઘવારી સલામત છે’, ‘ખેડૂતો કચરો-ઉદ્યોગપતિઓ શ્રીમંત છે’ જેવા સૂત્રો સાથે વિરોધ કર્યો હતો.

 કોંગ્રેસ પાર્ટી આગામી ચૂંટણીમાં મોંઘવારીને મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં 14 થી 29 નવેમ્બર સુધી દેશવ્યાપી જાગૃતિ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે. આ ઝુંબેશ અંતર્ગત ભાજપ સરકારના કારણે લોકોમાં ગગડતી અર્થવ્યવસ્થા, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે.

(7:08 pm IST)