Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ કાર્યકરોની તાકાતથી કોંગ્રેસ મુકત દાહોદ કર્યું :પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

આપણે જીતના માધ્યમથી લોકોની સેવા કરવા માંગીએ એજ આપણું ધ્યેય છે.

દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારંભમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવા વર્ષની શુભેચ્છા સૌ આગેવાનો અને કાર્યકરોને આપી સંબોધન કરતા જણાવ્યું કે, દાહોદની બેઠક જીતવી એ ભારતીય જનતા પાર્ટી માટે એક સપનું હતું. કોઇ કલ્પના પણ નહતુ કરી શકતું કે ભારતીય જનાત પાર્ટીએ દાહોદની બેઠક જીતી શકે. પરંતુ દાહોદના કાર્યકરોની તાકાતથી જીત મેળવી અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની એક સીટ પણ નથી રાખી અને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ મુકત દાહોદ કર્યું. દાહોદના કાર્યકરોએ જે રીતે સંગઠનનું પ્રદર્શન કરી જીત મેળવી છે અકલ્પનીય જીત છે તે માટે દરેક કાર્યકરને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે વધુમાં નગરના સ્માર્ટ સિટી માટે કેન્દ્ર સરકાર તરફથી મોદીએ એક હજાર કરોડ રૂપિયા આપ્યા તે બદલ તેમનો આભાર વ્યકત કર્યો. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, દાહોદ એ એવો વિસ્તાર છે કે અહી વડાપ્રધાન મોદીએ વર્ષો સુધી સંગઠનનું કામ કર્યું છે અને દાહોદના એક એક કાર્યકરને નામ સાથે ઓળખે છે. વડાપ્રધાન મોદીએ ખેડેલી જમીન ફળદ્રુપ બની છે અને એક પછી એક કમળ ઉગતા જાય છે. તેમની આ મહેનત ફળી છે જેથી તેમને પણ અભિનંદન પાઠવું છું.

તેમણે આ વખતની વિધાનસભામાં તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતે તે માટે હાંકલ કરી છે. મોટી સંખ્યામાં હાજર કાર્યકરો અને આગેવાનો ઉત્સાહ જોઇ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે આ જનમેદની જોઇ કોંગ્રેસ કોઇ ઉમેદવાર રાખવા તૈયાર નહી થાય કેમ કે વિધાનસભામાં જો કોઇ ઉમેદવાર રાખીશું તો જિલ્લા પંચાયત જેવી સ્થિતિ સર્જાશે. આપણે જીતના માધ્યમથી લોકોની સેવા કરવા માંગીએ એજ આપણું ધ્યેય છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર કોંગ્રેસનો સફાયો કરવા કાર્યકરોને પુરા જોશ સાથે કામ કરવા જણાવ્યું. ગામના યુવાનોને આત્મનિર્ભર યોજનાનો લાભ અપવા દરેક કાર્યકરને હાંકલ કરી છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની દરેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને અપાવવા કાર્યકરોને વિનંતી કરી. કોરોનાની રસી પણ ગામના દરેક ભાઇ-બહેનોને મળે તે માટે જણાવ્યું હતું.

સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, સાંસદ જશવંતસિંહ ભાભોર,જિલ્લા ભાજપના અધ્યક્ષ શંકર અમલિયાર, પ્રદેશના મંત્રી કૈલાસબેન પરમાર,જિલ્લાના પ્રભારી રાજેશ પાઠક, જિલ્લાના પ્રભારી હંસાકુવરબા રાજ, વિધાનસભાના દંડક રમેશ કટારા, ધારાસભ્યો બચુ ખાબડ, શૈલેષ ભાભોર અને જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ સ્નેહલ ધરિયા, નરેન્દ્ર સોની, કનૈયાલાલ કિશોરી સહિતના આગેવાનો અને કાર્યકરો અને જિલ્લાના સાધુ અને સંતો ઉપસ્થિત રહ્યા હતા

(8:05 pm IST)