Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ભાજપનો ગઢ ગણાતા અમદાવાદના ઘાટલોડિયા બેઠક ઉપર ખરાખરીનો જંગ

આ બેઠક પરથી ભાજપના ભુપેન્‍દ્રભાઇ પટેલ, કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક અને આપમાંથી વિજયભાઇ પટેલ ચૂંટણી લડશે

અમદાવાદઃ અમદાવાદની ઘાટલોડિયા બેઠક ભાજપ માટે સલામત સીટ ગણાય છે. ભાજપનો ગઢ ગણાતા આ બેઠક ઉપર દિગ્‍ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપના ભુપેન્‍દ્રભાઇ પટેલ, કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક અને આપના વિજયભાઇ પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડશે.

અમદાવાદની એક એવી બેઠક જે ભાજપ માટે સલામત સીટ ગણાય છે, એટલે ઘાટલોડિયા બેઠક. આ સીટે ભાજપને બે મુખ્યમંત્રી પણ આપ્યા છે. 2012 આનંદીબેન પટેલ આ બેઠક પરથી જીત્યા હતા. 2014 માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય આનંદીબેન પટેલને મુખ્યમંત્રીનો તાજ મળ્યો હતો. તો 2017 માં આ બેઠક પરથી આનંદીબેનના ખાસ ગણાતા ભુપેન્દ્ર પટેલ જીત્યા હતા, અને 2021 માં તેમના શિરે મુખ્યમંત્રીનો તાજ આવ્યો હતો. ભાજપમાંથી આ બેઠક પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચૂંટણી લડશે, તો કોગ્રેસમાંથી દિગ્ગજ નેતા અમીબેન યાજ્ઞિક ચૂંટણી લડશે. તો આપમાંથી વિજય પટેલ ઉમેદવાર છે. ત્યારે ઘાટલોડિયા બેઠક કેમ હાઈપ્રોફાઈલ બેઠક ગણાય છે તે જોઈએ. 

ભાજપ

ઉમેદવારઃ ભૂપેન્દ્ર પટેલ

ઉંમરઃ 60 વર્ષ

વ્યવસાયઃ સમાજ સેવા

અભ્યાસઃ ડિપ્લોમા ઈન સિવિલ એન્જીનિયરીંગ

રાજકીય કારકિર્દી

- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર

- 2 વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

- 1 વખત AUDAના ચેરમેન

- 2017માં ઘાટલોડિયા બેઠક પરથી 1 લાખ 75 હજાર મતોથી ચૂંટણી જીત્યા

- 2021માં મુખ્યમંત્રી બન્યા

કોંગ્રેસ

ઉમેદવારઃ ડો. અમીબેન યાજ્ઞિક

ઉંમરઃ 63 વર્ષ

વ્યવસાયઃ વકીલાત

અભ્યાસઃ ડૉક્ટર ઓફ લૉ એન્ડ J.S.M, માસ્ટર ઓફ ધ સાયન્સ ઓફ લૉ

રાજકીય કારકિર્દી -  2018માં ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ ચૂંટાયા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા

આપ

ઉમેદવારઃ વિજય પટેલ

ઉંમરઃ 40 વર્ષ

વ્યવસાયઃ શિક્ષક

અભ્યાસઃ માસ્ટર ઓફ એજ્યુકેશન

રાજકીય કારકિર્દી - પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે

(5:35 pm IST)