Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

નર્મદા જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ વયના માન્ય ઠરેલા ૧૧૩ મતદારો પૈકી ૯૮ મતદારોએ પોતાના નિવાસ સ્થાને જ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે નર્મદા જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે સુસજ્જ છે, ત્યારે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા ૮૦ વર્ષથી વધુ વયના નાગરિકો માટે ફોર્મ ૧૨-ડી હેઠળ માન્ય રાખેલી યાદી મુજબના વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૦ જેટલાં વયોવૃદ્ધ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ૧૪૯- દેડિયાપાડા વિધાનસભા મતદાર વિસ્તારમાં વયોવૃદ્ધ મતદાતાઓ માટે યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાનમાં માન્ય ઠરેલા ૭૩ મતદાતાઓ પૈકી ૬૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર જિલ્લામાં કુલ મળીને ૧૧૩ નોંધાયેલા વયોવૃદ્ધ મતદાતા પૈકી ૯૮ મતદાતાઓએ તેમના નિવાસસ્થાને જ ટપાલથી મતદાન કર્યું હતું. ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ/કર્મચારીઓ અને પોલીસ જવાનોની કુલ ૧૨ જેટલી ટીમો દ્વારા આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. બંન્ને મતદાર વિસ્તારોમાં યોજાયેલી પોસ્ટલ બેલેટની કામગીરીનું મોનીટરિંગ ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણી અને આનંદ ઉકાણીની રાહબરીમાં મદદનીશ ચૂંટણી અધિકારી એ.વી. વિરોલા અને પ્રતિક સંગાડા દ્વારા કરવામાં આવ્યું હતું.

નાંદોદ વિધાનસભા મતદાર વિભાગમાં હાથ ધરાયેલી પોસ્ટલ બેલેટની મતદાન પ્રક્રિયા દરમિયાન પોતાનો મત આપી ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થા સંદર્ભે આભાર વ્યક્ત કરતા રાજપીપલાના ભાટવાડા વિસ્તારમાં રહેતા અરવિંદકુમાર અમરસિંહ બારોટે જણાવ્યું હતું કે, ચૂંટણીપંચ દ્વારા આ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા જેવા વૃદ્ધ મતદારો કે જેઓ મતદાન કરવા માટે મતદાન મથક સુધી જઈ શકતા નથી તેમના માટે મતદાન પૂર્વે ઘર આંગણે આવીને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા પુરી પાડવામાં આવી છે. જેથી લોકશાહીના આ મહાપર્વમાં કોઈપણ મતદાતા તેના મતાધિકારથી વંચિત ન રહે. આજે મારી મતદાનની પવિત્ર ફરજ અદા કરીને લોકશાહીના ઉત્સવમાં સહભાગી બની ગર્વની લાગણી અનુભવું છું. અન્ય મતદારોએ પણ આ અવસરમાં સહભાગી બની પોતાના મતાધિકારનો અચૂકપણે ઉપયોગ કરવો જોઈએ તેવી નમ્રભાવે અપીલ કરું છું, તેમ તેઓએ ઉમેર્યું હતું

(10:12 pm IST)