Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

વાપીમાં લગ્નને બદલે માતમ છવાઈ ગયો: લગ્નમાં વાપી જઈ શેખ પરિવારના ૧૦ લોકોને અકસ્‍માત નડ્યો : એક મહિલા અને તેના ૧ વર્ષના પુત્રનું મૃત્યુ

વાપીમાં રિલેટિવને ત્યાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા માહિમના પરિવારની કારનો ગઈ કાલે બપોર બાદ ઍક્સિડન્ટ થતાં એક મહિલા અને તેના ૧ વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું, જ્યારે ત્રણ જણને ઈજા થઈ હતી. સાંજે લગ્ન હોવાથી માહિમ દરગાહ નજીક રહેતો પરિવાર કારમાં નીકળ્યો હતો. આ બનાવથી વાપીમાં લગ્નને બદલે માતમ છવાઈ ગયો હતો.

પોલીસે જણાવ્યા મુજબ મુંબઈમાં માહિમ દરગાહ પાસે રહેતા શેખ પરિવારના ૧૦ લોકો વાપીમાં તેમના સંબંધીને ત્યાં લગ્નમાં સામેલ થવા માટે ગઈ કાલે બપોરે કારમાં નીકળ્યા હતા. કાર પાલઘર જિલ્લાના મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ધાનીવરી ગામ પાસે પહોંચી ત્યારે કારનું પાછળનું ટાયર ફાટતાં ડ્રાઇવરે કાર પરનું નિયંત્રણ ગુમાવતાં એની સાથે ધડાકાભેર ટ્રક અથડાઈ હતી.

આ અકસ્માતમાં કારમાં બેઠેલી નાઝનીન શેખ નામની ૨૬ વર્ષની મહિલા અને તેના ૧ વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું, જ્યારે ત્રણ જણને ગંભીર ઈજા થવાથી પહેલાં કાસા સરકારી હૉસ્પિટલ અને ત્યાર બાદ વાપીની પ્રાઇવેટ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.

કાસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એપીઆઈ ઉમેશ પાટીલે 'મિડ-ડે'ને કહ્યું હતું કે 'બપારે ૩.૩૦ વાગ્યે મુંબઈથી વાપી તરફ જઈ રહેલી ઈકો કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. તપાસમાં જણાયું હતું કે કારનું ટાયર ફાટતાં ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં અકસ્માત થયો હતો. માતા-પુત્રનાં ઘટનાસ્થળે મૃત્યુ થવાની સાથે અન્ય ત્રણ જણને ઈજા પહોંચી હતી. તેઓ વાપીમાં લગ્નમાં સામેલ થવા જઈ રહ્યા હોવાનું તપાસમાં જણાયું છે.'

(12:36 pm IST)