Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ચૂંટણીમાં સત્તા મળે તેના કરતા બેઠકોની કોંગ્રેસને વધારે ચિંતા

મનપાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાનાર છે : AMCની ચૂંટણીમાં આપ-ઔવેસીની પાર્ટી ઝંપલાવવાની હોવાથી કોંગ્રેસને હયાત બેઠકો ટકાવી રાખવાની ફિકર

અમદાવાદ, તા. ૨૪ : કોંગ્રેસને આગામી મ્યુનિસિપલની ચૂંટણીમાં સત્તા મળે તેના કરતા હયાત બેઠકો ટકાવી રાખવાની ફિકર સતાવી રહી છે. તેમાય વર્તમાન કોર્પોરેટર્સ અને ધારાસભ્યો માટે કરવામાં આવેલી વાતોથી નવો વિવાદ શરૂ થયો હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આગામી મ્યુનિ. ચૂટણીમાં આમ આદમી પાર્ટી અને ઔવેસીની પાર્ટી પણ ઝંપલાવવાની હોવાથી કોંગ્રેસની હાલત કફોડી બનવાના પૂરેપૂરા આસાર છે. તેમાય લઘુમતિ વિસ્તારોમાં અત્યાર સુધી એકહથ્થુ વર્ચસ્વ ભોગવતી કોંગ્રેસને ઔવેસીની પાર્ટી લઘુમતિ મતોમાં ભાગલા પડાવે તો બેઠકો ગુમાવવાનો ભય છે.

છેલ્લા ૧૫ વર્ષથી મ્યુનિસિપલમાં વિરોધપક્ષની ભૂમિકા અદા કરી રહેલી કોંગ્રેસના ગઢ ગણાતા સ્લમ વિસ્તોરામાં પણ આમ આદમી પાર્ટીના કારણે ભાજપના ઉમેદવારો જીતે તેવી પણ શકાં વ્યક્ત થઈ રહી છે. આ બંને પરિબળોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ નદી પારના પૂર્વના અને ખાસ કરીને કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં બેઠકો યોજી છે. કોંગ્રેસની આંતરિક ખેંચતાણને જોતા અનેક શંકાકુશંકા થઈ રહી છે તેવી માહિતી આપતા કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે, મ્યુનિ ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી કરવા બાયોડેટા અને રજૂઆતો સાંભળવાની કામગીરી પૂરી થઈ ચૂકી છે. હવે પેનલ તૈયાર કરીને ચૂંટણી સમિતિ સમક્ષ મોકલવાની કામગીરી ચાલી રહી છે.

કોંગી મોવડીમંડળની બેઠકામાં ઉમેદવાર પસંદગીમાં શહેરના ચાર ધારાસભ્યોની દખલગીરી અટકાવવા અને કોંગી ધારાસભ્યોને તેમના મતવિસ્તાર સિવાયના અન્ય વિસ્તારમાં ઉમેદવાર પસંદગીનમાં માથુ નહીં મારવા દેવાની વાત પણ ચહેરાઈ જતા ધારાસભ્યો પણ અકળાયા છે. કોંગી સુત્રોએ કહ્યું કે, અમારા બે ધારાસભ્યો પોતાના મતવિસ્તાર ઉપરાંત સમગ્ર શહેરમાં ટિકીટ મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, પ્રદેશ નેતાગીરીની બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જેમાં વર્તમાન કોર્પોરેટર્સ પૈકી જે સારા, સ્વચ્છ પ્રતિભા ધરાવતાં અને લોકપ્રિય હોય તેમને જ ફરી ટિકિટ આપવાની વાત વહેતી થઈ જતાં કોંગ્રેસના કાર્યકરો જાતજાતના કટાક્ષ કરી રહ્યા છે. કોર્પોરેટરોને જાણતા કાર્યકરોનું કહેવું છે કે, આવો માપદંડ રાખવામાં આવશે તો વર્તમાન ૪૭ કોર્પોર્ટરમાંથી ગણ્યાગાઠ્યાને જ ટિકિટ મળે તેની હાલત છે.

(8:03 pm IST)