Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ફાગણમાં ખીલતા કેસુડાના ફૂલો ભર શિયાળે ખીલી ઉઠ્યા

સામાન્ય રીતે ખાખરાના વૃક્ષ ઉપર કેસુડો ખીલે એટલે આદિવાસીઓ સમજી જાય કે હોળી નજીક આવી ગઈ છે : છોટા ઉદેપુરમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી

છોટાઉદેપુર,તા.૨૨ : છોટાઉદેપુર જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી છે, ગ્લોબલ વોર્મિંગને લઈ ફાગણ માસમાં ખીલતા કેસુડાના ફૂલો ભર શિયાળે ખીલી ઉઠ્યા છે. જેમ જેમ આપણે ટેકનોલોજી તરફ આગળ વધી રહયા છે, તેમ તેમ ગ્લોબલ વોર્મિંગની અસર પણ વધી રહી છે. નૈસર્ગીક વાતાવરણમાં તેની અસર વર્તાઈ રહી છે,ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરને લઈ છોટાઉદેપુર જિલ્લામાં ભર શિયાળે કેસુડાના ફૂલ ખીલી ઉઠ્યા છે. છોટાઉદેપુરે આદિવાસી વિસ્તાર હોવાની સાથે જીલામાં મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર આવેલો છે.  અહીંના જંગલોમાં ખાખરાના વૃક્ષો મોટા પ્રમાણમાં આવેલા છે. સામાન્ય રીતે ખાખરાના વૃક્ષ ઉપર કેસુડો ખીલે એટલે આદિવાસીઓ સમજી જાય કે હવે હોળી નજીક આવી ગઈ છે. ફાગણ મહિનો બેસી ગયો છે,પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરને લઈ હવે કેટલાક વૃક્ષો ઉપર ભર શિયાળે કેસુડો ખીલી ઉઠ્યો છે. છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામમાં ખાખરાના એક વૃક્ષ ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી ભર શિયાળે જાન્યુઆરી મહિનામાં જ કેસુડાના ફૂલ ખીલી ઉઠે છે. વન અને પર્યાવરણના જાણકારોનું કહેવું છે કે જેમ જેમ સમય વીતે છે તેમ તેમ નૈસર્ગીક સંપત્તિ ઉપર ગોલબલ વોર્મિંગ ની અસર વધતી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ વોર્મિંગની અસર ન માત્ર વૃક્ષો પરંતુ હવામાન અને માનવ જીવન પણ મોટા પ્રમાણમાં પડી રહી છે. રાજ્યમાં ચાલુ વર્ષે હવામાન પણ ખુબ જ ગડબડવાળુ જોવા મળ્યું છે. ભર શિયાળે વરસાદ જોવા મળ્યો હતો. તો ચોમાસામાં પણ ખુબ જ ઠંડી જોવા મળી હતી. આ ઉપરાંત ઉનાળામાં પણ વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાતનું વાતાવરણ ચાલુ વર્ષે ખુબ જ ડામાડોળ રહ્યું હતું. જેના કારણે હાલ આંબા પર મોર નહોતા આવ્યા તો ક્યાંય કેસુડાના ફુલ પણ વ્હેલા ખીલી ઉઠ્યા છે.

 

(10:29 am IST)