Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

''સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર-2022'' : ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ને સંસ્થા તથા પ્રૉ.વિનોદ શર્માની 'સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર' માટે ચાલુ વર્ષે વ્યક્તિગત શ્રેણીમાં પસંદગી કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના ઉપલક્ષમાં આજે સાંજે ''સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર''ના વર્ષ-2019, 2020 અને 2021ના વિજેતાઓને પારિતોષિકથી નવાજવામાં આવશે

ગાંધીનગર, તા.23 જાન્યુઆરી : આપત્તિ વ્યવસ્થાપનમાં દેશમાં વ્યક્તિગત તથા સંસ્થાગત સ્તરેથી અમૂલ્ય યોગદાન તેમજ નિ :સ્વાર્થ સેવા કરનારને ઉચિત ઓળખ અને સન્માન પ્રાપ્ત થાય તે હેતુસર ભારત સરકાર દ્વારા 'સુભાષ ચંદ્ર  બૉસ આપદા પ્રબંધન પુરસ્કાર' ના નામથી પુરસ્કાર સ્થાપિત કરવામાં આવ્યો છે.

વર્ષ-2022 માટે સંસ્થાની શ્રેણી માટે શ્રી પી.કે.તનેજા, ડાયરેક્ટર જનરલ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ (GIDM); સંસ્થા વતી આ પુરસ્કાર તા.23 જાન્યુઆરી, 2022 ના રોજ ઇન્ડિયા ગેટ ખાતે આયોજિત થનારા  કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે સ્વીકારશે  જયારે પ્રૉ.વિનોદ શર્મા વ્યક્તિગત શ્રેણીમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ  સુભાષ ચંદ્ર  બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર-2022 માટે પસંદ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુરસ્કારની જાહેરાત પ્રતિવર્ષ 23 જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજ્યંતિના દિને કરવામાં આવે છે. આ સન્માન અંતર્ગત સંસ્થાને રૂ.51 લાખ રોકડ રકમ તથા પ્રમાણપત્ર તથા વ્યક્તિગત શ્રેણીમાં રૂ.5 લાખની રોકડ રકમની સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.

ચાલુ વર્ષના પુરસ્કાર માટે 1 જુલાઈ, 2021થી નામાંકન (નોંધણી) આમંત્રિત કરવામાં આવ્યા હતા.વર્ષ-2022માં આ પુરસ્કાર સંદર્ભે પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક તથા સોશ્યિલ મીડિયાના માધ્યમથી વ્યાપક પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવ્યો હતો. જેની ફલશ્રુતિરૂપે 243ની સંખ્યામાં અલગ-અલગ સંસ્થાઓ અને વ્યક્તિવિશેષના નામાંકન પ્રાપ્ત થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) એટલે કે ગુજરાત આપત્તિ નિયમન સંસ્થાની સ્થાપના વર્ષ-2012માં ગુજરાતમાં ડિઝાસ્ટર રિસ્ક રીડકશન (આપત્તિથી ન્યુનતમ જોખમ) થાય તે માટે કરવામાં આવી હતી. વળી, શ્રેણીબદ્ધ કૌશલ્ય નિર્માણ તાલીમ અને કાર્યક્રમોનું વ્યૂહાત્મક રીતે આયોજન કરીને  GIDM ને રોગચાળા, દુર્ઘટનાઓ સહિતના વિવિધ વિષયો અંગે સક્ષમ બનાવવામાં આવી હતી.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) દ્વારા અવિરતપણે આપત્તિ વ્યવસ્થાપન માટે મુખ્ય છ બાબતો : ટ્રેનિંગ એન્ડ કેપેસીટી બિલ્ડીંગ , ઍપ્લાઈડ રિસર્ચ, એકેડેમિક પ્રોગ્રામ, ડોક્યુમેન્ટેશન, કન્સલ્ટન્સી તથા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી કરવામાં આવી છે. GIDM દ્વારા રિસ્ક મેનેજમેન્ટ, કલાઇમેટ એક્શન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિષયો ઉપર ''સેન્ડાઈ ફ્રેમવર્ક ઓફ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન'', સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, ગ્લોબલ ક્લાઇમૅટ એક્શન એગ્રીમેન્ટ એન્ડ કમિટમેન્ટ તથા માન. વડાપ્રધાનશ્રીના  ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટના નેશનલ અને સ્ટેટ લેવલ પોલીસીના 10-પોઇન્ટ એજન્ડા ઉપર ભરપૂર પ્રયાસો અને કામગીરી કરવામાં રહી છે.

એકતરફ જયારે વર્ષ-2021માં દેશ પૂર્ણ કે આંશિક લોકડાઉનમાં હતો ત્યારે,  GIDM એ સિફતપૂર્વક ''ન્યુ નોર્મલ''ની સ્થિતિ પ્રાપ્ત કરી લઈને 80 મલ્ટી-સેકટોરીઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત કરવાની સાથે 12,123 લોકોને કોવિડ -19 તથા અન્ય જોખમો સામે લડવા તાલીમબદ્ધ કર્યા હતા. ''ગુજરાત ફાયર સેફટી કોમ્પ્લાયન્સ પોર્ટલ''અને કોવિડ-19ના એકીકૃત નિરીક્ષણના હેતુસર   ''એડવાન્સડ કોવિડ-19 સિન્ડ્રોમીક સર્વેલન્સ''(ACSyS) નામક મોબાઈલ એપને પણ આ સંસ્થા દ્વારા વિકસિત કરવામાં આવી છે.

આ સંસ્થાએ ''ધ બે ઓફ બંગાળ ઈનિટીએટીવ ફોર મલ્ટી-સેકટોરીયલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન (BIMSTEC) ના સભ્ય દેશોને તાલીમ તથા કૌશલ્ય નિર્માણની તાલીમ આપી હતી. અત્રે નોંધનીય છે કે, GIDM દ્વારા 5 કલાકનો આપત્તિ વ્યવસ્થાપનનો એક મૂળભૂત ઈ-કોર્સ પણ  આવ્યો છે, જે  DIKSHA ઉપર નિઃશુકલ ઉપલબ્ધ છે.

પ્રૉ.વિનોદ શર્મા ''ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન''માં પ્રોફેસર તથા સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વાઇસ પ્રેસિડેન્ટ પદે કાર્યરત છે.  તેઓ 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ'' સ્થાપક સંયોજક પણ  છે. ડિઝાસ્ટર રિસ્ક રીડકશન ક્ષેત્રે તેમણે કરેલા અવિરત પ્રયાસોથી તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઇ છે. વળી, લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ફોર એડમીનસ્ટ્રેશન (LBSNAA) તથા અન્ય કેટલીક આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાઓ સાથે નિષ્ણાત તરીકે સેવાઓ આપે છે.

(3:12 pm IST)