Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

મહેનત કરવા છતાં પણ ભારતમાં યુવાનોને સારી પોઝિશન મળતી નથી

ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછા પર પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું : અમદાવાદમાં સરદારધામમાં નવનિર્મિત ઈ-લાઈબ્રેરીનું ઉદ્ઘાટન પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે કરાયુ

અમદાવાદ, તા.૨૩ : અમદાવાદ ખાતે સરદારધામમા નવનિર્મિત ઈ-લાઈબ્રેરીનું ઉદ્ઘાટન પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે કરાયુ હતું. ૧૦૦૦ સીટની ઈ-લાઈબ્રેરી તથા વિદ્યાર્થી દત્તક યોજના નામકરણનો ઉદ્ધાટન સમારોહમાં તેમણે કેનેડામાં માર્યા ગયેલા ગુજરાતીઓ વિશે નિવેદન આપ્યુ હતું. તેમણ કહ્યુ હતું કે, અમેરિકા જેવા દેશમા જવા લાખો લોકો પ્રયાસ કરે છે. આપણા યુવાનો મોટા પ્રમાણમા અમેરિકા કેનેડા જવા પ્રયાસ કરે છે. પરંતુ કેટલાક લોકો ટુંકો રસ્તો શોધી ગેરકાયદેસર જવાનો પ્રયાસ કરે છે. સરકાર એવી તક ઉભી કરે કે લોકોને વિદેશ જવાનો મોહ ઓછો થાય. ઘણાં લોકો વર્ષોથી ગેરકાયદે વિદેશમાં રહે છે. ગેરકાયદે હોવાથી વર્ષો સુધી ત્યાં જ રહેવુ પડે છે. લોકોએ કાયદેસર રીતે જવુ જોઇએ, જેથી આવી ઘટના નિવારી શકાય.

અમેરિકાની ઘટના પર નીતિન પટેલે કહ્યું કે, મીડિયાના માધ્યમથી કલોલના ધિંગુચાના એક પરિવારના ૪ લોકો કેનેડાથી અમેરિકા જવાનો પ્રયત્ન કર્તા હતા તેમના મોત થયા છે તે જાણવા મળ્યુ. ગઈ કાલ રાતથી સતત અમે સંપર્ક કરી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલય પર પણ વિગતો મેળવી છે. અત્યારે જે માહિતી છે તે સંભવીત માહિતી છે. ચોકક્સ નામ રેકોર્ડ પર નથી આવ્યા. પરિવાર થોડા દિવસ આગાઉ કલોલ ગ્રીનસિટી ખાતે રહેવા આવ્યો હતો. હાલ પરિવાર ના ૪ લોકો ગુમ થયા હોવાની વાત સામે આવી છે. અમેરિકા જવા લોકોની ભીડ લાગી છે, અહીંયા નોકરી ધંધા મર્યાદિત છે.

ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછા પર પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતમાં યુવાનોને તક ઉપલબ્ધ થતી નથી. અહી તક મળતી ન હોવાથી લોકો વિદેશમાં જવા માંગે છે. અહી ભવિષ્ય ઉજ્જવળ નથી થતુ. મહેનત કરવા છતા સારી પોઝિશન મળતી નથી. જેથી સરકાર એવી તક ઉભી કરે કે વિદેશ જવાનો મોહ ઓછો થાય.   બીજી તરફ, કાર્યક્રમમાં પૂર્વ DyCM નીતિન પટેલનો એકવાર ફરી રમૂજી અંદાજ જોવા મળ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, હમણા મારા ઘરમાં મીઠો વિવાદ ચાલે છે. કચ્છનું સફેદ રણ જોવા માટે વિવાદ ચાલે છે. મારી પત્નીએ હજુ સુધી કચ્છનું રણ નથી જોયું. ભલે અમિતાભ બચ્ચને ગમે એટલી જાહેરાત કરી હોય. ભલુ થજો ભગવાનનું કે હવે થોડો સમય મળ્યો છે. હવે સમય મળ્યો છે એટલે બધુ માણવાનો સમય મળશે. મારી પૌત્રી ૧૧ વર્ષની ક્યારે થઈ ગઈ તે ખબર જ ન પડી.

(7:38 pm IST)