Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

પુત્રવધૂના હત્યા કેસમાં પતિ સહિત ૭ સામે ગુનો દાખલ

ઠક્કર ખમણ પરિવારની પુત્રવધૂની હત્યાનો મામલો : બોરસદમાં પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ બાથરૂમમાં પડી જતા મોત થયાની કહાની દર્શાવી હતી

આણંદ, તા.૨૩ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વહેરા ગામે ઠક્કર ખમણ પરિવારની પરિણીતાના અપમૃત્યુ કેસમાં પતિ સહિત ૭ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર વહેરા ગામે લેગસી ગાર્ડન સોસાયટીમાં ૧૮ જાન્યુઆરીના રોજ પરિણીતાનું પતિએ જ ગળુ દબાવીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે મૃતકના ભાઈએ હત્યાની આશંકા દર્શાવતા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા બાથરૂમમાં પડી જવાથી નહીં પરંતુ તેની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર સુરત ખાતે રહેતા મૃતક મહિલાના ભાઈ ધવલ ગંગદેવે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની બહેન રોક્ષા ઉર્ફે નિશાના લગ્ન ૧૫ વર્ષ પહેલા સાવરકુંડલાના વતની અમિત ઠક્કર સાથે થયા હતા. ગત ૯ ડિસેમ્બરે નિશા બંને બાળકો લઈને સુરત ગયા હતા. ઘરમાં લગ્ન હોવા છતાંય અમિતભાઈ આવ્યા નહોતા અને ફોન ઉપર પણ કોઈ વાત કરતા નહોતા. દરમિયાન ૧૮ જાન્યુઆરીએ અમિતભાઈ ફોન કરીને જણાવ્યું કે, તમારી બહેન બાથરૂમમાં ન્હાવા માટે ગઈ હતી અને પડી જતાં માથામાં વાગ્યું હોવાથી તેની હાલત ગંભીર છે.

ફરિયાદ અનુસાર ધવલભાઈએ આ અંગે પોતાના માતા-પિતા સાથે સુરતથી તરત જ બોરસદ જવા નીકળ્યા હતા. આ દરમિયાન ધવલભાઈને વહેમ લાગતા તેમણે આણંદ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને ૧૮મીએ સાજે તેઓ બોરસદ બહેનના ઘરે પહોંચ્યા અને જોયું તો બહેનનું મૃત્યુ થયું હોવાથી તેને રૂમમાં સુવડાવ્યા હતા. ૨૭મીએ મૃત્યુનો રિપોર્ટ આવતા જેમાં નિશાબેનનું મૃત્યુ ગળું દબાવાથી થયું હોવાના ખુલાસા બાદ પતિ સહિતના સાસરિયાઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

 

(7:42 pm IST)