Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના આધ્યાપકો દ્વારા આંદોલનના એંધાણ

અમદાવાદમાં અધ્યાપક મંડળના હોદ્દેદારોની મળી બેઠક: 5 વર્ષથી માગ ના સંતોષાતા કરશે આંદોલન

અમદાવાદ : ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે અને ડોક્ટરો બાદ વધુ એક આંદોલનના એંધાણ વર્તાયા છે.જેમાં છેલ્લા 5 વર્ષથી પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ ના આવતા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના આધ્યાપકો રોષે ભરાયા છે.પોતાના પડતર પ્રશ્નોને લઈને અમદાવાદમાં અધ્યાપક મંડળના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં સરકાર સામે આંદોલન કરવા માટે રણનીતિ ઘડવામાં આવી છે.

પડતર પ્રશ્નોને લઈ અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરતા હોવાનો અધ્યાપકોએ આક્ષેપ કર્યો છે. આ સાથે જ અનેક પડતર પ્રશ્નોને લઈને રાજ્યના તમામ યુનિવર્સિટીઓના અધ્યાપક મંડળો એક પ્લેટફોર્મ પર આવ્યા છે.

અધ્યાપકોના પડતર પ્રશ્નોમાં છેલ્લા 5 વર્ષથી 1500થી વધારે અધ્યાપકોના પ્રમોશન અટકાવવા, પ્રમોશન માટે કેરિયર એડવાન્સ સ્કીમ સ્થગિત કરવી, 1500થી વધારે અધ્યાપકો પ્રમોશનથી વંચિત રાખવા સહિત ખંડ સમયના 150થી વધુ અધ્યાપકો કાયમી ન કરવા તેમજ વર્ષ 2017 વિધાનસભામાં સરકારે ખંડ સમયના અધ્યાપકોને કાયમી કરવાની ખાતરી આપી હતી.

જો કે હજુ સુધી ખંડ સમયના અધ્યાપકોને કાયમી કરવામાં આવ્યા નથી. આ સાથે જ ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો ફાજલનું રક્ષણ આપવાની માંગ ને લઈને પણ અધ્યાપકો હવે લડી લેવાના મૂડમાં છે.

છેલ્લા 5 વર્ષથી અનેક રજુઆત પછી પણ કોઈ નિવેડો ન આવતા હવે અધ્યાપક મંડળે જાહેરાત કરી છે કે, આ તમામ પ્રશ્નોનો એક મહિનામાં સરકાર કોઈ ઉકેલ નહીં લાવે તો રાજ્યની તમામ કોલેજોમાં અધ્યાપકોનું આંદોલન શરૂ થશે.

(11:11 pm IST)