Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

મહુધા પંથકના ભૂલી ભવાની પોલ્ટ્રી ફાર્મમાં દંપતીએ ઝેરી દવા ગટગટાવી : પતિનું થયું મોત : પત્ની ગંભીર

દંપતીએ કેમ ઝેરી દવા પીધી તેનું રહસ્ય અકબંધ : મહિલા ભાનમાં આવશે ત્યાર બાદ મહુધા પોલીસ નિવેદન લેશે

ખેડા જિલ્લામાં પઘાતના બનાવો વધી રહ્યા છે. રવિવારે મહુધા પંથકના ભૂલી ભવાની પોલ્ટ્રી ફાર્મ પર રહેતા દંપતીએ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. આ પૈકી પતિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. જ્યારે તેની પત્ની જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહી છે.

મહુધા તાલુકાના ભૂલી ભવાની ગામની સીમમાં ઈકબાલભાઈ મલેકનું પોલ્ટ્રી ફાર્મ આવેલ છે. આ પોલ્ટ્રી ફાર્મ પર અશોક વિરન ગોડ તેમજ તેની પત્ની આરતીબેન (રહે. મધ્યપ્રદેશ) મજૂરીકામ અર્થે રહેતાં હતાં. શનિવાર સાંજથી રાત્રે કોઈ પણ સમયે આ દંપતીએ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. રવિવારે સવારે આ પૉલ્ટ્રી ફાર્મ પર મજૂરી કરતાં બંને બેભાન હાલતમાં મળી આવ્યા હતાં. બંનેના મોંમાંથી ફીણ નીકળતું જોવા મળ્યું હતું.

આ બનાવમાં 32 વર્ષિય અશોક વીરન ગોડનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તેઓની પત્ની આરતીબેનની હાલત ગંભીર હોવાને કારણે પ્રાથમિક સારવાર મહુધા સરકારી દવાખાનામાં સારવાર આપી વધુ સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ દંપતીએ કેમ ઝેરી દવા પીધી તેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. મહિલા ભાનમાં આવશે ત્યાર બાદ મહુધા પોલીસ નિવેદન લેશે તે બાદ ચોક્કસ કારણ જાણવા મળશે. હાલ આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે અહેસાસહુસેન આઝમમિયા મલેકની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

(11:20 pm IST)