Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

એસ.ટી. કંડકટરોના મોબાઈલ નંબર એડવાન્સ બૂકીંગની ટ્રીપશીટમાં નાખતા કર્મચારીઓને મુશ્કેલીઃ ઉતારૂઓ હેરાન કરે છે

મુસાફરો નિગમનો નંબર છે તેમ માની સતત પૂછપરછ કરતા હોવાની રાવ

રાજકોટ, તા. ૨૨ :. ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘના પ્રદેશ મહામંત્રી શ્રી જગદીશભાઈ પટેલે એસ.ટી.ના વહીવટી સંચાલકશ્રીને પત્ર પાઠવી કંડકટરના મોબાઈલ નંબર એડવાન્સ બુકીંગની ટ્રીપશીપમાં નાખતા કર્મચારીને પડતી મુશ્કેલી અંગે રજૂઆતો કરી હતી.પત્રમાં ઉમેર્યુ હતુ કે, નિગમ દ્વારા એડવાન્સ બુકીંગની ટ્રીપશીટમાં ફરજ પરના કંડકટરના પર્સનલ મોબાઈલ નંબર નાખવામાં આવે છે. જેનો મેસેજ ટીકીટ બુક કરાવનાર પેસેન્જર પાસે જાય છે. જેથી પેસેન્જર વહેલા મોડા હોય, બસની ઈન્કવાયરી માટે ફોન કરે છે. કંડકટર પોતાની ટ્રીપની શરૂઆત થતા મુસાફરોની એડવાન્સ ટીકીટો ચેક કરતા હોય, ટીકીટ આપવાની કામગીરી કરતા હોય, શહેરી વિસ્તારમાંથી બસ પસાર થતી હોય તેમાં કંડકટર સાઈડે કોઈ અકસ્માત ન નડે તે માટે બસ હંકારવામાં મદદરૂપ નિવડતો હોય ત્યારે વારંવારની આવી પૃચ્છાને કારણે તેની કામગીરીમાં વિક્ષેપ ઉભો થવા પામે છે. જ્યારે મુસાફરો પણ આ નંબર નિગમનો હોય, પૂછપરછનો હોય તેમ સમજી સેવ કરી લે છે અને જ્યારે-ત્યારે જરૂર પડે ત્યારે આજ નંબર ઉપર ફોન કરી બસની ઈન્કવાયરી કરે છે, પરંતુ વાસ્તવમાં બધા કંડકટર કર્મચારીઓ ફીકસ ફરજો બજાવતા હોતા નથી, જેથી તેઓ અન્ય ફરજમાં હોય, કામગીરીમાં રોકાયેલ હોય અથવા તો રજા ઉપર હોય પરિવાર સાથે હોય ત્યારે ગમે તે સમયે ફોન આવતા તે પણ માનસિક તાણ અનુભવે છે, જ્યારે કર્મચારી જવાબ ન આપે તો મુસાફરોમાં ખોટો મેસેજ જાય અને નિગમની પ્રતિષ્ઠા ખરડાવાનો ભય રહે છે.

નિગમમાં મહિલા કંડકટરો પણ ફરજ બજાવે છે. ઉપરોકત સ્થિતિમાં તેમના મોબાઈલ નંબરો આ ટ્રીપશીટમાં મુકતા કયારેક કોઈ ટીખળખોર દ્વારા તેનો દુરૂપયોગ થઈ શકે છે અને તેના કારણે તેની અસર તે મહિલા કર્મચારીના પારીવારિક - દાંપત્ય જીવન ઉપર થવા પામે તેમ છે.

હાલના ડીઝીટલ સમયમાં દરેક કર્મચારીના મોબાઈલ નંબર તેના પગારના બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલ હોય ત્યારે આ મોબાઈલ નંબરના આધારે તેમના બેન્ક ખાતા સાથે પણ ફ્રોડ થવાની ભીતી રહેલી છે અને તેવું થાય તો કર્મચારીને નાહકમાં આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે.

જેથી ઉપરોકત તમામ પરિસ્થિતિ અને હકીકતોને ધ્યાને લઈ અગાઉની પ્રથા મુજબ નિગમના ઈન્કવાયરીના લેન્ડલાઈન ફિકસ નંબરો જ એડવાન્સ બુકીંગની ટ્રીપશીટમાં આપવામાં આવે જેથી કોઈપણ મુસાફરને કોઈપણ પૃચ્છા કરવી હોય કે બસની ઈન્કવાયરી કરવી હોય તો તે ઈન્કવાયરી નંબર ઉપરથી મેળવી શકે અને કંડકટર કર્મચારીઓને થતી હેરાનગતિ તેમજ ફરજ દરમ્યાન કામમાં પડતી મુશ્કેલી નિવારી શકાય.

(10:58 am IST)