Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

બ્રાહ્મણોએ તો વેદ વગેરે શાસ્ત્રો કંઠસ્થ રાખી ભારતીય સંસ્કૃતિને સાચવી રાખી છે

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી SGVP ગુરુકુલમાં ઉજવાયેલ ઉપવિત સંસ્કાર પર્વ ચાર ઋષિકુમારોએ નૂતન ઉપવિત ધારણ કરી

અમદાવાદ તા. ૨૪ SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અને શા. યજ્ઞવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા ચાર બટુ ઋષિકુમારો હર્ષિલ શુક્લ, ફેનિલ ભટ્ટ, પ્રશીલ ભટ્ટ અને કુલદિપ જોષીએ નૂતન ઉપવિત ધારણ કરી હતી.
     શરુઆતમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી, પ્રાધ્યાપક શ્રી ભાર્ગવભાઈ પંડ્યા, જોષી ચિંતનભાઇ, ભગીરથભાઇ ત્રિવેદી ના માર્ગદર્શન સાથે વેદના મંત્રો સાથે ગ્રહ શાંતિ, મંડપ મુહૂર્ત, બ્રહ્મગાયત્રી, વગેરે વિધિ બાદ બટુઓએ નૂતન ઉપવિત ધારણ કરી હતી.
    આ પ્રસંગે પૂજય માધવપ્રિયદાસજી સ્વામીએ ઉપવિતનો અર્થ, બ્રાહ્મણના ધર્મો, ગાયત્રી મંત્રનો મહિમા વગેરે વિસ્તારથી સમજાવ્યા હતા અને જણાવ્યું  હતું કે, બ્રાહ્મણ જ્ઞાનથી શોભે છે, વિદ્યાથી શોભે છે, બ્રાહ્મણોએ તો આપણી ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોના રક્ષણ માટે પોતાના પ્રાણોના બલિદાન આપ્યા છે.
    ખરેખર ઉપવિત ધારણ કર્યા પછી જ ઋષિકુમારોને વેદનો અભ્યાસ કરવાનો અધિકાર મળે છે. જે મુખે વેદના મંત્રો બોલાતા હોય તે મુખમાં તમાકુ, બીડી કે કોઈ વ્યસન શોભે નહીં.
     આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ નૂતન ઉપવિત ધારણ કરનાર ચારેય બટુ ઋષિકુમારોને હાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા.
    આ પ્રસંગે ઋષિકુમારોના વાલી અને અન્ય સગા સ્નેહી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનના મુખ્ય યજમાન તરીકે હેમંતભાઇ શુક્લ રહ્યાં હતા


 

(2:08 pm IST)