Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ગોધરા, રાજપીપળા, નવસારી, મોરબી અને પોરબંદરમાં બનશે નવી મેડિકલ કોલેજ, ૫૦૦ બેઠકો વધશે

રાજયની અંદાજે ૧૨ હજાર બેઠકોમાં પ્રવેશ માટે ૨૨૭૨૬ ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કરવામાં આવ્યું

અમદાવાદ, તા.૨૪: રાજયની મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીની અંદાજે ૧૨ હજારથી વધારે બેઠકો પર પ્રવેશ માટે આજે પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ મેરિટલિસ્ટમાં ૨૨૭૨૬ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી સપ્તાહમાં પ્રવેશનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે ચાલુ વર્ષમાં મેડિકલની પાંચ નવી કોલેજોને મંજૂરી મળે તેવી શકયતા છે. આ કોલેજોને મંજૂરી મળે તો મેડિકલમાં અંદાજે ૫૦૦ બેઠકોનો વધારો થશે. પહેલો રાઉન્ડ પુરો થયા પછી મંજુરીની જાહેરાત કરવામાં આવે તો બીજા રાઉન્ડમાં આ બેઠકોને સામેલ કરવાની તૈયારી પણ આરોગ્ય વિભાગ અને પ્રવેશ સમિતિ દ્વારા કરી દેવામાં આવી છે.

મેડિકલ ડેન્ટલ સહિતના ચાર કોર્સમાં પ્રવેશ માટે હાલમાં અંદાજે ૧૨ હજાર બેઠકો ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં મેડિકલ કોલેજની મંજૂરી આપવાની જાહેર કરેલી સ્કીમમાં રાજય સરકારે અરજી કરી હોવાથી આગામી દિવસોમાં પાંચ નવી મેડિકલ કોલેજોને મંજૂરી મલવાની શકયતા છે. આ કોલેજો ગોધરા, નવસારી, મોરબી, પોરબંદર અને રાજપીપળા એમ પાંચ શહેરોમાં શરુ કરવામાં આવશે. સૂત્રો મુજબ હાલમાં તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. તેમજ જો પહેલો રાઉન્ડ પૂરો થયા પછી કોલેજોને મંજૂરી મલે તો બીજા રાઉન્ડમાં તમામ ૫૦૦ બેઠકોના સમાવેશની તૈયારી પણ કરી લેવામાં આવી છે.

મેડિકલ સહિત ચાર કોર્સમાં પ્રવેશ માટે કુલ ૨૫૮૫૧ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. જે પૈકી ૨૪૬૧૮ વિદ્યાર્થીઓએ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ મેરિટલિસ્ટમાં ૨૨૭૨૬ વિદ્યાર્થીઓનો સામાવેશ કરવામાં આવ્યો છે. પ્રવેશના નિયમોને ધ્યાને લેતા ૩૧૨૫ વિદ્યાર્થીઓ છે જેઓને મેરિટલિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા નથી. કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ૪૫૫૮, એસસી કેટેગરીમાં ૨૪૧૬, એસટી કેટેગરીમાં ૨૧૦૧ અને એસઈ કેટેગરીમાં ૮૩૮૧ વિદ્યાર્થીઓનો મેરિટલિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોવિશનલ મેરિટલિસ્ટમાં કોઈને સમસ્યા હોય તો ૨૫જ્રાક જાન્યુઆરી બપોરે ૧ વાગ્યા સુધીમાં પ્રવેશ સમિતિના ઈ મેઇલ પર રજૂઆત કરવા સૂચના આપવામાં આવી છે.

(3:29 pm IST)