Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

અમે આટલા વર્ષોથી અહીં રહીએ છીએ, પરંતુ આવો કિસ્‍સો ક્‍યારેય સાંભળ્‍યો નથી, તેમનું મોત દુઃખદાયક હતુઃ ગાંધીનગરના કલોલના પરિવારની કેનેડામાં શ્રદ્ધાંજલી સભા યોજાઇ

અમેરિકા જવાની લ્‍હાયમાં પરિવારે જીવ ખોતા અરેરાટી

અમદાવાદ: અમેરિકા જવાની ઘેલછા રાખવામાં ગાંધીનગરના એક પરિવારે જીવ ખોયો છે. પરિવારના ચારેય સદસ્યો મોતને ભેટ્યા છે. ત્યારે કેનેડામાં આ ચારેય મૃતકો માટે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી. જેથી તેમની આત્માને શાંતિ મળે. જોકે, આ ચારેયના મોતની સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.

કેનેડામાં વસતા ગુજરાતી સમાજે ચારેય મૃતકો અંગે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પવા ઝૂમ મિટિંગ પર હેમંત શાહ, આશ પટેલ, અનિલ થાનકીએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. કેનેડામા વસતા લોકોએ કહ્યુ કે, અમે આટલા વર્ષોથી અહી રહીએ છીએ, પણ આવો કિસ્સો ક્યારેય સાંભળ્યો નથી. તેમનુ મોત દુખદાયક હતું.

મૃતદેહો કેનેડાથી કલોલ લાવવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. હાલ કેનેડા પોલીસ મૃતકોના સંબંધીઓની તપાસ કરી રહી છે. જોકે, ચારેય મૃતકો ગુજરાતના કલોલના રહેવાસી જગદીશ પટેલનો પરિવાર હોવાની શક્યતા નકારી શકાય નહિ. કલોકના નાગરિકો પાસેથી જાણવા મળ્યુ કે, જગદીશ પટેલ ગારમેન્ટનો સીઝનલ બિઝનેસ કરતા હતા. કલોલના નવજીવન બજારમાં 18 નંબરની દુકાન પર આવકાર સિલેક્શન બોર્ડ લગાવેલું છે. આ દુકાનના મલિક અલ્પેશભાઈ છે. અલ્પેશભાઈ અને જગદીશભાઈ છેલ્લા 2 વર્ષથી દુકાન ભાડે લેતા હતા અને ત્યાં ગારમેન્ટનો ધધો કરતા હતા. જગદીશભાઈ આ દુકાન માત્ર નવરાત્રીથી દિવાળીના સમય સુધી ભાડે લેતા હતા અને ધંધો કરતા હતા. જગદીશભાઈ પોતે પહેલા શિક્ષક તરીકે સ્કૂલમાં નોકરી કરતા હતા અને નોકરી છોડ્યા બાદ આ રીતે સીઝનલ વ્યવસાયની સાથે ખેતી પણ કરતા હતા. જોકે હાલ તો કેનેડાથી અમેરિકા જવાનું પોતાના પરિવારને કહીને નીકળ્યા હતા અને 4 થી વધુ દિવસથી તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક નથી થઈ રહ્યો.

(4:11 pm IST)