Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

કોરોનાના સંક્રમણને રોકવા વલસાડ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ વલસાડ કલેકટર આર.આર.રાવલની અધ્‍યક્ષતામાં બેઠક મળી

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ: વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્‍ટ્રમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્‍યાને રાખી જિલ્લા કલેકટર આર.આર.રાવલે જિલ્લાના આરોગ્‍ય અધિકારીઓ સાથે કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજી હતી.
કલેકટર રાવલે જણાવ્‍યું હતું કે, જિલ્લાના પ્રવેશદ્વારો ઉપર તમામ વાહનોનું સ્‍ક્રીનીંગ થાય તે માટે આરોગ્‍ય, પોલીસ અને આર.ટી.ઓ વિભાગ  સંયુકત રીતે વાહનોની કેટેગરી મુજબ અલગ લાઇન કરી કામગીરી કરવામાં આવશે. આ સ્‍થળોએ સ્‍વૈચ્‍છિક રીતે એન્‍ટીજન ટેસ્‍ટ કરાવવા ઇચ્‍છતા લોકો  ટેસ્‍ટ કરાવી શકે તેવી વ્‍યવસ્‍થા પણ પુરી પાડવામાં આવશે. જિલ્લાના તમામ બસ ડેપો, રેલવે સ્‍ટેશનો ખાતે બહારગામથી આવતા લોકોનું સ્‍ક્રીનીંગ, શાકભાજી માર્કેટ તથા અન્‍ય સ્‍થળે ભેગા થતા હોય ત્‍યાં ફરજિયાત માસ્‍ક, સોશિયલ ડીસ્‍ટન્‍સ જળવાય તેની કાળજી લેવા, ઔદ્યોગિક એકમોમાં કામ કરવા આવતા બહારગામના કામદારો અને સ્‍ટાફનું ફરજીયાતપણે સો ટકા સ્‍ક્રીનીંગ કરવા, જિલ્લાના પ્રવાસન સ્‍થળો એવા વિલ્‍સન હીલ અને તિથલ ખાતે આરોગ્‍યની ટીમ તૈનાત કરવા ઉપરાંત રાજય બહારથી આવતા લોકોને સાત દિવસ સુધી આઇસોલેશનમાં રાખવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર રાવલે વધુમાં જણાવ્‍યું હતું કે, કોરોના વિરોધી રસીમાં બાકી રહી ગયેલા કર્મચારીઓ અને ફ્રન્‍ટલાઇન વોરીયર્સ સમયસર રસીનો ડોઝ લઇ લે તે જરૂરી છે. કોવિન પોર્ટલ ઉપર રજીસ્‍ટર્ડ થયેલા સરકારી અને ખાનગી હોસ્‍પિટલના પેરા મેડીકલ સ્‍ટાફ રસી લેવાના બાકી હોય તેઓને તા.૨૫ ફેબ્રુઆરી સુધીમાં રસીકરણ કરાવી લેવા પણ જણાવ્‍યું હતું.જિલ્લા કલેકટર રાવલે જિલ્લાના પ્રજાજનોને અગમચેતીના પગલારૂપે કોરોના સંક્રમણને રોકવા વહીવટીતંત્રને સાથ  સહકાર આપવા અને  નિયમોનું ચુસ્‍તપણે પાલન કરવા જણાવ્‍યું  છે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.અનિલ પટેલ,  નાયબ પોલીસ અધિક્ષક મનોજ શર્મા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

(9:42 pm IST)