Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ખાનપુર ખાતે ભાજપનો વિજય ઉત્સવ : સીઆર પાટીલે કહ્યુ- ભાજપ પ્રત્યે લોકોના વિશ્વાસથી એન્ટી ઈન્કમબંસી નથી નડતી

કેટલાક ઉમેદવારો કેમ હાર્યા, કેટલા મતે હાર્યા એની ત્રુટીઓ શોધવી પડશે.કાલથી જ એના પર કામે લાગીશું.

અમદાવાદ : રાજ્યની છ મહાનગરપાલિકાનું ચૂંટણી પરિણામ જાહેર થઇ ગયું છે, જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણી દ્વારા ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ) અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલિમીન (AIMIM)ની પણ એન્ટ્રી થઇ છે. જ્યારે કોંગ્રેસનો સુપડો સાફ થઇ ગયો છે. ભવ્ય જીતની ઉજવણી કરવા માટે ભાજપના અમદાવાદના ખાનપુરમાં આવેલા કાર્યલય ખાતે વિજય ઉત્સવનું આયોજનકરાયું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે. સીઆર પાટીલે નવા ચૂંટાયેલા 159 કોર્પોરેટરોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, નિતિનભાઈ  પટેલ સહિતના ભાજપના દિગ્ગજોને અભિનંદન પાઠવ્યા હતા.

ખાનપુર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગત 2015માં 142નો રેકોર્ડ તોડીને 159 પહોંચ્યા છીએ. આપણે ટાર્ગેટ સુધી પહોંચી શક્યા નથી. આપણો લક્ષ્યાંક 168 હતો. આપણી કોઈ કમજોર કડી હશે એના પર અત્યારથી જ કામે લાગવું જોઈએ. પાર્લામેન્ટ્રી બોર્ડમાં કેટલાક કડક નિર્ણય થયા જેના કારણે કેટલાક લોકોને ટિકિટ આપી શક્યા નથી. કેટલાય અનુભવી લોકોએ તમારા માટે એક જ અવાજે જગ્યા કરી છે અને તમને જીતાડવામાં મદદ કરી છે, એટલે તેમનો આભાર માનજો. Patil 

સીઆર પાટીલે આગળ કહ્યું હતું કે આપણા કેટલાક ઉમેદવારો કેમ હાર્યા, કેટલા મતે હાર્યા એની ત્રુટીઓ શોધવી પડશે. આવતીકાલથી જ એના પર કામે લાગીશું. રાજકોટમાં 1 ટર્મ સિવાય 50 વર્ષથી ભાજપનો દબદબો છે અને અમદાવાદમાં પણ 1987 થી સતત ભાજપનો દબદબો છે. પંડિત દીનદયાળ જીના સંકલ્પને પૂર્ણ કરવા કાર્યકારો સતત કામ કરે છે. દરેક તકલીફમાં વિશ્વાસ સાથે લોકો ભાજપના કાર્યકરોને બોલાવે છે

એટલા માટે જ એન્ટી ઈન્કમબંસી આપણને નડતી નથી અને નડવાની નથી, જીતેલા ઉમેદવારોએ આભાર દર્શન શરૂ કરવુ જોઈએ. આવતીકાલથી મતદારોના આભાર દર્શનની શરૂઆત કરો, કારણ કે ભાજપે જે કહ્યું છે તે કર્યું છે. પીએમ મોદી તેનું જીવંત ઉદાહરણ છે. કેટલાય કાર્યકરોના બલિદાન બાદ ભાજપ આ સ્થળે છે અને આજે આપણે આરામથી ચૂંટણી જીતીએ છીએ. કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે એટલે જીત આસાન થઈ છે પણ ભાજપે આવી આસાન જીતની ટેવ પાડવાની નથી

પોતાન સંબોધનમાં સીઆર પાટીલે જીતેલા કોર્પોર્ટરનોને સંદેશ આપ્યો હતો કે તમે તમારા દમ પર નથી જીત્યા, પાર્ટીની તાકાત પર જીત્યા છો. કોઇ દિવસ કાર્યકર્તાની ફરિયાદ ન આવવી જોઇએ. જો કોર્પોર્ટર અંગે કોઇ કાર્યકરની ફરિયાદ આવશે તો તેમની સામે પગલાં લેવાશે. 

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી રવિવારે યોજાઇ હતી. જેનું પરિણામ આજે જાહેર થયું. તમામ મહાનગરપાલિકામાં ભગવો લહરાયો છે. મહત્વપૂર્ણ વાત એ છે કે સુરતમાં કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી, જ્યારે આમ આદમી પાર્ટીના ખાતામાં 27 બેઠકો આવી છે. આ ઉપરાંત પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને પણ અમદાવાદમાં સારી સફળતા મળી છે. AIMIMને જમાલપુર વોર્ડમાં આખી પેનલ, જ્યારે મકતમપુરા વોર્ડમાં 3 બેઠકો પર જીત મળી છે.

(12:26 am IST)