Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

અમે લોકોના પ્રશ્નોના વાચા આપતા રહીશુ : કોંગ્રેસનો કાર્યકર સંઘર્ષમાંથી શીખતો આવ્યો છે : શહેરી સંગઠન મજબુત કરવા ચિંતન કરીશુ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ જનાદેશનો આદર સાથે સ્વીકાર કર્યો

અમદાવાદ,તા. ૨૪: રાજયમાં ગઇ કાલે જાહેર થયેલ ચૂંટણી પરિણામોમાં રકાસ થતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ જનતાના ચુકાદાનું સ્વીકાર કરી જણાવેલ કે, અમે ભલે હાર્યા પણ એમાંથી શીખ લઇને આવતા દિવસોમાં ફરી વિજય માટે તૈયાર કરીશું.

તેમણે રાજ્યની મહાનગરપાલીકાઓમાં જનાદેશનો આદર સાથે સ્વીકાર કરવાનું જણાવી કહ્યુ કે કોંગ્રેસના કાર્યકરોએ ખૂબ મહેનત કરી, લોકો વચ્ચે દિવસ-રાત પ્રચાર કરેલ. પ્રજાએ પણ સારો આવકાર પણ આપેલ. તેમ છતાં ધાર્યા કરતા વિપરીત પરિણામો આવ્યા છે. તેમણે શહેરી સંગઠન વધુ મજબુત કરવા પણ જણાવેલ અને તે માટે ચિંતન કરવા અને જે કમીઓ રહી ગઇ છે તે સુધારવા પણ જણાવેલ.

શહેરી વિસ્તારના મતદારોમાં કોંગ્રેસ પ્રત્યે ફરી વિશ્વાસ જાગે અને પ્રજા સાથે રહી તેમના પ્રશ્નો અંગે લડતા રહીશું તેમ પણ અમિતભાઇએ જણાવેલ. કોંગ્રેસનો કાર્યકર તૈયાર હોવાનું જણાવી કહેલ કે કોંગ્રેસનો કાર્યકર હંમેશા સંઘર્ષમાંથી કંઇક શીખ્યો છે. ત્યારે આ પરાજયમાંથી પણ અમે શીખ લઇશું અને લોકોના પ્રશ્નો ઉઠાવતા રહીશું.

જ્યાં પણ અન્યાય અને અત્યાચાર થશે ત્યાં કોંગ્રેસનો કાર્યકર સૌથી આગળ ઉભો રહી લોકોના પ્રશ્નોને વાચા આપતો રહેશે. ચૂંટણીમાં જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે જે આગેવાનોનું માર્ગદર્શન મળ્યુ છે. તે તમામનો અમિતભાઇએ આભાર માન્યો હતો. અને સૌથી મોટો આભાર લોભ-લાલચ વચ્ચે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડ્યા છે તે મતદારોનો આભાર માન્યો હતો.

(3:50 pm IST)