Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ગાંધીનગર નજીક ઉવારસાદ પાસે મોપેડ સવાર યુવાનને ટ્રકે હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર; શહેરના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર નજીક ઉવારસદ પાસે મોપેડ સવાર યુવાનને ટ્રકે અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. જયારે અકસ્માત સર્જી ટ્રક સ્થળ ઉપર જ મુકીને તેનો ચાલક ભાગી ગયો હતો. આ ઘટના અંગે અડાલજ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.  

જિલ્લાના હાઈવે માર્ગો હાલ રોકેટગતિએ દોડતાં વાહનોના કારણે અકસ્માત ઝોન બની ગયા છે ત્યારે ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજયું હતું. ઘટનાની મળતી વિગતો પ્રમાણે ચાંદલોડીયાની શાંતિનગર સોસાયટીના મકાન નં.ર૬ ખાતે રહેતો ર૬ વર્ષીય યુવાન દિવ્યેશ અનીલભાઈ દવે કર્મકાંડની વિધિ કરતો હતો અને ગઈકાલે કોઈ કામ અર્થે તે તેનું મોપેડ નં.જીજે-ર૪-એઈ-૮૭૦૭ લઈને ગાંધીનગર આવ્યો હતો. જયાંથી રાત્રીના પોણા અગિયાર વાગ્યાના સુમારે તે પરત ચાંદલોડીયા જવા નીકળ્યો હતો તે સમયે ગાંધીનગર-સરખેજ હાઈવે ઉપર ઉવારસદ કટ પાસે પુરઝડપે જતી ટ્રક નં.જીજે-૧૮-બીટી-૮૭૭૩ના ચાલકે તેના મોપેડને અડફેટે લીધું હતું. જે અકસ્માતમાં દિવ્યેશને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. આ અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક ટ્રક સ્થળ ઉપર જ મુકીને નાસી છુટયો હતો. ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતક યુવાનના ભાઈ સંદીપ દવેની ફરીયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને શોધવા માટે દોડધામ શરૃ કરી છે.

(5:11 pm IST)