Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવવા માટે માતાને દાણા નાખે છે: અલ્પેશ ઠાકોરનો દાવોપાટીલ સાહેબની રજા નથી છુટતી એટલે માતા પણ દાણા નથી છોડતી.

અમદાવાદ : રાજ્યની 6 મહાનગરપાલિકા કબજે કર્યા બાદ ભાજપે નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયત કબજે કરવા માટે ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરે દહેગામમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય ભાજપમાં જોડાવવા માંગે છે

દહેગામ ખાતે ચૂંટણી સભાને સંબોધી કરતા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, એ લોકો આજે શું કરે છે હું તમને આજે કહેવા આવ્યો છું, તે લોકો આજે માતાજીના દાણા જુવે છે, પૂછો કેમ જોવે છે દાણા. છેલ્લા 6 મહિનાથી માતાજીના દાણા જોવે છે કે, માતા રજા છોડ મારે ભાજપમાં જવુ છે, હું કોંગ્રેસના ધારાસભ્યોનું કહું છું. કોંગ્રેસના ધારાસભ્ય દરરોજ દાણા જોવા બેસે છે, માતાએ દાણા નથી છોડતી, કારણ કે પાટીલ સાહેબની રજા નથી છુટતી. પાટીલ સાહેબની રજા નથી છુટતી એટલે માતા પણ દાણા નથી છોડતી.

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. શહેરી વિસ્તારમાં જનતાનો વિશ્વાસ હજુ પણ ભારતીય જનતા પાર્ટી પર રહ્યો છે. અમદાવાદ, સુરત,રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા કબજે કર્યા બાદ હવે ભાજપ નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયત જીતવા માટે જોર લગાવી રહી છે. જોકે, શહેર કરતા ગામડાના લોકોનો મિજાજ અલગ હોય છે. ગામડામાં કોંગ્રેસ તરફી વલણ જોવા મળે છે જેને કારણે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુ બેઠકો કબજે કરવા માટે મહેનત કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી પછી હવે 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે જ્યારે 2 માર્ચે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 159 બેઠક જીતી હતી. છેલ્લા 15 વર્ષમાં ભાજપની સૌથી મોટી અને ઐતિહાસીક જીત નોંધાઇ હતી. AMCમાં છેલ્લા 20 વર્ષમાં વર્ષ 2000થી 2005 દરમિયાન કોંગ્રેસ પાસે સત્તા હતી જ્યારે છેલ્લા 15 વર્ષથી ભાજપના હાથમાં સત્તા હતી.

(7:00 pm IST)