Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ફરિયાદીને ચોરીના પૈસાની કાર સોંપવા કોર્ટનો આદેશ

૨૦૧૮માં ચોરેલા પૈસાથી કાર ખરીદી હતી : શહેરના ફરિયાદીની રજૂઆતને ધ્યાનમાં રાખીને કોર્ટનો આરટીઓને પણ કારમાં નામ ટ્રાન્સફર કરી આપવા હુકમ

અમદાવાદ, તા. ૨૪ : ચોરી કરાયેલી રોકડથી કાર ખરીદવામાં આવે તો કારનો માલિક કોણ? આરોપી કે ફરિયાદી ? આવી રીતે ખરીદાયેલી કારના કબ્જા માટે આરોપીનો દીકરો અને ફરિયાદી હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. હાઇકોર્ટે કારનો કબ્જો ફરિયાદીને સોંપવા ટ્રાયલ કોર્ટને આદેશ કર્યો છે તેમજ આર.ટી.ઓ. દ્વારા કારની માલિકી ફરિયાદીના નામે ટ્રાન્સફર કરવામાં આવે તેવો આદેશ પણ કર્યો છે.

આનંદનરમાં રહેતા શરદચંદ્ર શાહના ઘરે ૨ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૧૯.૨ લાખ રૂપિયાની ચોરી થઇ હતી અને જેમાં ૧૨.૫૦ લાખની રોકડ અને બાકીના ઘરેણાં હતા. આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચે થોડાં દિવસ બાદ ટ્રેપ ગોઠવી આરોપી સુરેશ લધુભાઇ મકવાણા ઉર્ફે સુખોને ઝડપ્યો હતો. તપાસ દરમિયાન આરોપીએ નિવેદન આપ્યું હતંુ કે ફરિયાદીના ઘરેથી ચોરેલી રોકડમાંથી તેણે હ્યુન્ડાઇ કંપનીની આઇ-ટ્વેન્ટી કાર ખરીદી છે. આ કાર તેના દીકરાના નામે ખરીદવામાં આવી છે. આરોપીઓ અન્ય ચાર જગ્યાએ પણ ચોરી કરી હોવાથી તમામ કેસોનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.

જેથી ફરિયાદીએ કારના કબ્જા માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરી હતી. જેની સામે ફરિયાદીના દીકરાએ રજૂઆત કરી હતી કે આ કારની માલિકી તેના નામે છે. જેથી ટ્રાયલ કોર્ટે ફરિયાદીની અરજી ફગાવી કારનો વચગાળાનો કબ્જો આરોપીના દીકરાને આપ્યો હતો. જેથી ફરિયાદીએ હાઇકોર્ટમાં અપીલ કરી રજૂઆત કરી હતી કે આરોપીઓ નિવેદન આપ્યું છે કે તેના ઘરેથી ચોરાયેલી રોકડમાંથી તેણે કાર ખરીદી છે. તેથી કારની માલિકી તેને મળવી જોઇએ. કોર્ટે આ રજૂઆત ધ્યાને લઇ ટ્રાયલ કોર્ટનો આદેશ રદ કર્યો છે, તેમજ ફરિયાદીને કારનો કબ્જો આપવા અને આર.ટી.ઓ.માં કારની માલિકી ફરિયાદીના નામે કરાવવા આદેશ આપ્યો છે.

(7:18 pm IST)