Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ધોરણ 9 અને 11ના વિધાર્થીઓની વાર્ષિક પરીક્ષા 7મી જૂનથી 15મી જૂન વચ્ચે લેવાશે

ધોરણ 9 થી 12ના વિધાર્થીઓની પ્રથમ પરીક્ષા માર્ચ મહિનામાં યોજાશે

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે કે શૈક્ષણિક વર્ષ 2020-21ની ધોરણ 9 થી 12ના વિધાર્થીઓની પ્રથમ પરીક્ષા માર્ચ મહિનામાં જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા આગામી જૂન મહિનામાં લેવામાં આવશે.

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 9 અને 11ના વિધાર્થીઓની વાર્ષિક પરીક્ષા 7મી જૂનથી 15મી જૂન વચ્ચે લેવામાં આવશે. જ્યારે ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા 19મી માર્ચથી 27મી માર્ચ વચ્ચે લેવામાં આવશે. કોરોનાની પરિસ્થિતિને લીધે શૌક્ષણિક વર્ષ 2020-21ની ધોરણ 9 થી 12ની શાળાકીય પરીક્ષાના પ્રશ્નોપત્ર શિક્ષણ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા પરિરૂપ અને ગુણભાર મુજબ તૈયાર કરવાની કાર્યવાહી શાળા કક્ષાએ કરવાની થાય છે.

 

ધોરણ – 9 થી 12ની પ્રથમ પરિક્ષા માટે જે તે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય તે મુજબ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પ્રશ્નપત્ર પરીરૂપના આધારે તેમજ શાળામાં ચાલેલા તમામ પ્રકરણને યોગ્ય ન્યાય મળે તે મુજબ પ્રકરણ દીઠ ગુણભાર નક્કી કરીને શાળા કક્ષાએ પ્રશ્નપત્ર તૈયાર કરવાના રહેશે. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા 70 ટકા અભ્યાસક્રમ પ્રમાણે પ્રશ્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવામાં આવશે.

 સામાન્ય રીતે આંતરિક મૂલ્યાંકન પહેલી અને બીજી પરીક્ષામાં ઉમેદવારે મેળવેલા ગુણ પ્રમાણે કરવામાં આવે છે જો કે કોવિડ સ્થિતિને કારને આંતરિક મૂલ્યાંકનમાં પ્રથમ પરીક્ષાના ગુણને જ ધ્યાને લેવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે શૈક્ષણિક વર્ષ 2020-21 માટેનો શૈક્ષણિક કાર્ય જૂન-2020થી પ્રત્યક્ષ રીતે શરૂ થઈ શક્યું નહિ અને મોટાભાગનું શિક્ષણ હોમલર્નિંગ થકી કરાવવામાં આવ્યું હતું. કોવિડ પરિસ્થિતિમાં સુધાર થતાં 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે શાળામાં ધોરણ 9 અને 11ના વિધાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ 1લી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું.

(8:17 pm IST)